સરકાર દ્વારા સરળ, અસરકારક અને ફેલ્ક્સીબલ ગણાવાયેલી યુકેની નવી બ્રેક્ઝિટ પોઇન્ટ આધારિત વિઝા અને ઇમિગ્રેશન સિસ્ટમ તા. 1 ડીસેમ્બરથી શરૂ કરવામાં આવી છે. નવી સ્કીલ્ડ વર્કર વિઝા માટેના અરજદારો હવે તા. 1 જાન્યુઆરી, 2021થી યુકેમાં કામ કરવા અને રહેવા માટે અરજી કરી શકે છે.
ભારતીય બિઝનેસીસ અને વિદ્યાર્થીઓના જૂથોએ વિશ્વભરના “તેજસ્વી અને શ્રેષ્ઠ” લોકોને આકર્ષિત કરવાના હેતુસર આ વર્ષની શરૂઆતમાં પ્રીતિ પટેલ દ્વારા પોઇન્ટ આધારિત નવી સીસ્ટમનું વ્યાપકપણે સ્વાગત કર્યું હતું.
બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન પીરીયડ પૂરો થયા બાદ હવે યુરોપિયન યુનિયન (ઇયુ)ના માઇગ્રન્ટ્સે પણ બિન-ઇયુ દેશોના લોકોની જેમ જ બ્રિટનમાં પ્રવેશવા માટે પોઇન્ટ્સ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ અંતર્ગત, યોગ્ય કૌશલ, નોકરીની ઑફર, અંગ્રેજીનું જ્ઞાન અને પગારના આધારે પોઇન્ટ મેળવવાના રહેશે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે “આ સરકારે મુક્ત હિલચાલનો અંત લાવવા, આપણી સરહદો પર ફરીથી નિયંત્રણ લેવા અને નવી પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ દાખલ કરવાનું વચન આપ્યું હતું. આજે અમે તે વચન પાળ્યું છે. આ સરળ, અસરકારક અને ફ્લેક્સીબલ સિસ્ટમ ખાતરી કરશે કે એમ્પલોયર્સ તેમની જરૂરિયાત મુજબના કુશળ કામદારોની ભરતી કરી શકે છે. તેમણે યુકેના વર્કફોર્સને તાલીમ અને રોકાણ માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. અમે તે લોકો માટે પણ રૂટ ખોલી રહ્યા છીએ જેની પાસે અસાધારણ પ્રતિભા છે અથવા એન્જિનિયરિંગ, વિજ્ઞાન, ટેકનોલોજી અથવા સંસ્કૃતિના ક્ષેત્રમાં અપવાદરૂપ લાયકાત ધરાવે છે.
આરજદારોએ દર વર્ષે ઓછામાં ઓછો £25,600 પગાર મેળવવાનો રહેશે અને અરજીઓ ઑનલાઇન કરવાની રહેશે. લોકોએ તેમની ઓળખ સાબિત કરવાની રહેશે અને તેમના દસ્તાવેજો આપવાના રહેશે. યુકેની બહારથી અરજી કરનારા લોકોને અરજીની બધી પ્રોસેસમાંથી પસાર થયા બાદ સામાન્ય રીતે ત્રણ અઠવાડિયામાં નિર્ણય જણાવવામાં આવશે.
અરજદારે આ માટે £610થી લઇને £1,408 પાઉન્ડની ફી, હેલ્થકેર સરચાર્જ (સામાન્ય રીતે દર વર્ષે £624 પાઉન્ડ) ભરવાના રહેશે અને પોતે રહી શકશે તે જણાવવા સામાન્ય રીતે ઓછામાં ઓછા £1,270 ઉપલબ્ધ હોવા જરૂરી છે. કુશળ વર્કર વિઝા પાંચ વર્ષ સુધી ચાલશે.
આ વર્ક વિઝાની સાથે, વૈશ્વિક ટેલેન્ટ વિઝા સહિતના એપ્લિકેશન્સ માટે પણ હવે ઘણા અન્ય માર્ગો ખુલ્લા છે.
નવીન, વ્યવહારૂ અને સ્કેલેબલ બિઝનેસ આઇડિયા માટે, યુકેમાં પહેલીવાર કોઈ ધંધો સ્થાપિત કરવા માંગતા વ્યક્તિ માટે સ્ટાર્ટ-અપ વિઝા અને યુકેમાં વ્યવસાય સ્થાપિત કરવા માંગતા લોકો માટે ઇનોવેટર વિઝાનો માર્ગ ખુલ્લો રહેશે. યુકેમાં કામગીરી કરતા બિઝનેસીસ પોતાના અનુભવી કર્મચારીઓને ઇન્ટ્રા-કમ્પની ટ્રાન્સફર વિઝા દ્વારા યુકે મોકલી શકશે.
નવી શૈક્ષણિક સિસ્ટમ હેઠળના વિદ્યાર્થીઓના રૂટ અને બાળ વિદ્યાર્થીઓનો રૂટ ઓક્ટોબરમાં ખોલવામાં આવ્યો હતો જેઓ આગામી શૈક્ષણિક વર્ષ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરીકે પ્રવેશ મેળવી શકશે.
હોમ ઑફિસે કહ્યું હતું કે તેની નવી સિસ્ટમ એમ્પ્લોયરોને યુકેના કર્મચારીઓમાં તાલીમ અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા, ઉત્પાદકતા વધારવા અને વ્યક્તિઓ માટે તકો સુધારવા, ખાસ કરીને કોરોનાવાયરસ રોગચાળા દ્વારા અસરગ્રસ્ત લોકોને પ્રોત્સાહિત કરશે.