સરકારે જાહેર ક્ષેત્રની કંપની રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ (આરસીએફએલ)નો 10 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી છે. શેરવેચાણની પ્રક્રિયાના સંચાલન માટેના મર્ચન્ટ બેન્કર અને કાનૂની કંપનીઓની નિમણુક માટે સરકારે બિડ મંગાવ્યા છે.
રોકાણ અને જાહેર મિલકત સંચાલન (DIPAM)એ એક નોટિસમાં જણાવ્યું હતું કે રસ ધરાવતા મર્ચન્ટ બેન્કર્સ અને લિગલ એડવાઇઝર્સે અનુક્રમે 28 જાન્યુઆરી અને 29 જાન્યુઆરી સુધીમાં બિડ સુપરત કરવાના રહેશે.રાષ્ટ્રીય કેમિકલમાં સરકાર 75 ટકા હિસ્સો ધરાવે છે અને 20 ટકા હિસ્સાનું વેચાણ કરવા માગે છે.
કંપનીની ઓફર ફોર સેલના સમય અને બીજી રૂપરેખા અંગે મર્ચન્ટ બેન્કર્સ સરકારને સલાહ આપશે. સરકારે હિસ્સાના વેચાણથી મહત્તમ લાભ થાય તેવી રીતે આ પ્રક્રિયા કરવાની રહેશે. સરકાર આ હિસ્સાના વેચાણ માટે બે મર્ચન્ટ બેન્કર્સની પસંદગી કરશે. હાલના બજારભાવને આધારે સરકારને આ કંપનીનો હિસ્સો વેચવાથી આશરે રૂ.300 કરોડની આવક થવાની ધારણા છે.