પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચીનનાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અલીબાબા સામે નિયમનકારી સંસ્થાએ કથિત મોનોપોલી ઊભી કરવાના મુદ્દે તપાસ ચાલુ કરી છે.

ચીનના માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તે અલીબાબાની સ્પર્ધા વિરોધી પ્રણાલીની તપાસ કરશે. કંપનીની આ નીતિથી હરીફ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. નિયમનકારી સંસ્થાએ ફાઇનાન્સિયલ રેગ્યુલેશનના મુદ્દે એન્ટ ગ્રુપને પણ સમન્સ મોકલ્યું હતું. ચીનની સેન્ટ્રલ બેન્ક અને બેન્કિંગ નિયમનકારી સંસ્થાએ પણ અલગ-અલગ રીતે એન્ટ ગ્રુપને સમન્સ મોકલ્યું હતું.

એક નિવેદનમાં અલિબાબાએ જણાવ્યું હતું કે કંપની આ તપાસમાં નિયમનકારી સંસ્થાને સંપૂર્ણ સહકાર આપશે. જોકે કંપનીનો બિઝનેસ રાબેતા મુજબ ચાલુ રહેશે. ગયા મહિને સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશનને અગાઉના એક્વિઝિશન ડીલની યોગ્ય માહિતી ન આપવા બદલ અલિબાબા અને ટેન્સેટ સમર્થિત ચાઇના લિટરેચરને પેનલ્ટી ફટકારી હતી.