તાજેતરમાં પૂરા થયેલા ૨૦૨૦ના વર્ષમાં ભારતમાં ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં ૨૦૧૯ની સરખામણીમાં ૮૦ ટકાનો જંગી વધારો થયો હતો. કોરોનાકાળમાં દેશના બીજા અને ત્રીજી શ્રેણીના શહેરોમાં ડિજિટલ ટ્રાન્ઝકશનના સ્વીકારમાં વધારો થતા એકંદર ઓનલાઈન વ્યવહારમાં વધારો જોવા મળ્યો હતો.
ફિનટેક કંપની રેઝરપેના એક અહેવાલમાં જણાવાયું હતું કે યુપીઆઈ મારફતના ટ્રાન્ઝેક્શનમાં ૧૨૦ ટકા વધારો થયો હતો. કાર્ડ, નેટબેન્કિંગ તથા ડિજિટલ વોલેટ મારફતના ટ્રાન્ઝેક્શન કરતા યુપીઆઈ મારફતના ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પ્રારંભિક સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ લોકડાઉન હળવા થવા સાથે ડિજિટલ પેમેન્ટસમાં વધારો જોવા મળ્યો હતો.
ઉપભોગતાઓ ઉપરાંત વેપારગૃહો દ્વારા પણ ડિજિટલ પેમેન્ટસનો મોટાપાયે સ્વીકાર કરાયો હતો. ૨૦૨૦ના પ્રથમ ૬ મહિનાની સરખામણીએ બીજા છ મહિનામાં ડિજિટલ પેમેન્ટસમાં ૭૩ ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. ૨૦૨૦માં થયેલા કુલ ડિજિટલ ટ્રાન્ઝકશન્સમાંથી ૫૪ ટકા ટ્રાન્ઝેક્શન બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાંથી થયા હતા. આ શહેરોમાં ડિજિટલ વ્યવહારમાં એક જ વર્ષમાં ૯૨ ટકા વધારો થયો હતો.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ચંદીગઢ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, આસામ અને કેરળમાં 2020 દરમિયાન અનુક્રમે 205 ટકા, 187 ટકા, 127 ટકા, 124 ટકા અને 117 ટકાની વૃદ્ધિ થઈ હતી. યુટિલિટી-બિલ પેમેન્ટ માટે ડિજિટલ પેમેન્ટમાં 357 ટકાનો વધારો ખયો હતો, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ માટેના પેમેન્ટમાં 382 ટકાનો વધારો થયો હતો. એજ્યુકેશન, ઇ-કોમર્સ અને હેલ્થકેર સેક્ટર્સમાં અનુક્રમે 167 ટકા, 189 ટકા અને 148 ટકાનો વધારો થયો હતો.