Ballot Box assembly elections in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના અવસાનને કારણે ખાલી પડેલી તેમની બેઠકો પર પહેલી માર્ચના રોજ ચૂંટણી યોજાશે એવી ચૂંટણી પંચ ગુરુવારે જાહેરાત કરી હતી.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર 11 ફેબ્રુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે, અને 18મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

કોરોનાને કારણે અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના અવસાન થયા હતા. પટેલ વર્ષોથી ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાતા હતા, જ્યારે ભારદ્વાજ પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા. અહેમદ પટેલની મુદત ઓગષ્ટ 2023ના રોજ પૂરી થતી હતી, જ્યારે ભારદ્વાજ તાજેતરમાં જ ચૂંટાયા હતા, અને તેમની મુદત 21 જૂન 2026ના રોજ પૂરી થવાની હતી.

વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસનું હાલનું સંખ્યાબળ જોતાં અહેમદ પટેલની બેઠક કોંગ્રેસ ગુમાવશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 2017માં રાજ્યસભા ચૂંટણી થઈ હતી ત્યારે ભારે રસાકસીના અંતે અહેમદ પટેલ આ બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. તે વખતે ચૂંટણી અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોરદાર તોડફોડ કરી હતી, અને તેમની સાથે કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને તૂટતા બચાવવા તેમને અહેમદ પટેલ કર્ણાટક સ્થિત રિસોર્ટમાં લઈ ગયા હતા, અને વોટિંગના દિવસે તમામ ધારાસભ્યોને ગાંધીનગર લવાયા હતા.
2020માં ગુજરાતમાં રાજ્યસભાની જે ચાર બેઠકો પર ચૂંટણી થઈ હતી તેમાં ભાજપે ત્રણ બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી માત્ર શક્તિસિંહ ગોહિલ જ ચૂંટણી જીતી શક્યા હતા, અને ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી.