ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેની 3.4 બિલિયન ડોલરની ડીલને અટકાવતા સિંગલ જજના આદેશને સોમવારે દિલ્હી હાઇ કોર્ટે ઉઠાવી લીધો હતો. કોર્ટના આદેશથી આ ડીલને અટકાવવાના એમેઝોનના પ્રયાસને ફટકો પડ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટના આદેશ પગલે ફ્યુચર ગ્રૂપ હવે તેનો રિટેલ બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચી શકે છે. આ કેસની રોજિંદી સુનાવણી 26 ફેબ્રુઆરીથી ચાલુ થશે. જોકે એમેઝોન દિલ્હી હાઇ કોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.
અગાઉ સિંગલ જજે ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સના સોદાના અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને ફ્યુચર ગ્રૂપે દિલ્હી હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઇ કોર્ટે આ ડીલમાં આગળ વધવાની હવે મંજૂરી આપી છે.
ફ્યુચર અને રિલાયન્સના આ સોદા સામે અમેરિકાની ઇ-કોમર્સ કંપની એમેઝોને વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે ફ્યુચર ગ્રૂપમાં એમેઝોને પણ રોકાણ કરેલું છે અને તે ભારતના રિટેલ માર્કેટમાં હાજરી ધરાવે છે.
હકીકતમાં ભારતના આશરે એક ટ્રિલિયન ડોલરના રિટેલ માર્કેટમાં બિલિયોનોર મુકેશ અંબાણી અને એમેઝોન વચ્ચેનો આ કોર્પોરેટ જંગ છે. મુકેશ અંબાણી ફ્યુચર ગ્રૂપનો રિટેલ બિઝનેસ ખરીદીને ભારતના રિટેલ માર્કેટમાં પ્રભુત્વ સ્થાપવા પ્રયાસ કરી રહ્યાં છે અને એમેઝોન તેને અટકાવવા માગે છે.
ફ્યુચર રિટેલ બિઝ બજાર, ઇઝી ડે અને સેન્ટ્રલ જેવા રિટેલ સ્ટોર ધરાવે છે. ફ્યુચર રિટેલે અગાઉ જણાવ્યું હતું કે રિલાયન્સને રિટેલ બિઝનેસ વેચવાની ડીલ નહીં થાય તો કંપનીનું લિક્વિડેશન કરવું પડશે.
અગાઉ સિંગાપોરના ઇમર્જન્સી આર્બિટ્રેટર (ઇએ)ના આદેશના અમલીકરણ માટે આદેશ આપવાની એમેઝોને હાઇ કોર્ટમાં માગણી કરી હતી. સિંગાપોરના ઇમર્જન્સી આર્બિટ્રેટરે ફ્યુચર-રિલાયન્સના સોદાને અટકાવી દીધો હતો. Amazon.com NV ઇન્વેસ્ટમેન્ટે હોલ્ડિંગ્સે આર્બિટ્રેટરના આદેશનું જાણીજોઇને પાલન ન કરવા માટે કિશોર બિયાની, FCPL અને FRLના ડિરેક્ટર્સ અને બીજા સંબંધિત પક્ષકારોને અટકાયતામાં લેવાની અને તેમની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ માગણી કરી હતી.
ફ્યુચર રિટેલે 3.38 બિલિયન ડોલરમાં રિલાયન્સને તેના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક અને બીજા કેટલાંક બિઝનેસનું વેચાણ કરવાની ડીલ કરી હતી. આ સોદોને નેશનલ એક્સ્ચેન્જિસ અને સ્પર્ધાપંચે મંજૂરી આપી હતી.