
એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે દિલ્હી એરપોર્ટ પર શુક્રવાર, 7 નવેમ્બરે અંધાધૂંધ માહોલ સર્જાયો હતો. એરપોર્ટ પર 300થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મોડી પડી હતી. એરપોર્ટ સત્તાવાળાઓએ ફ્લાઇટ્સ ખોરવાઈ જવા બદલ ખેદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો ચાલુ છે.
ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્પાઇસજેટ અને અકાસા એરએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સમસ્યાઓના કારણે દિલ્હી એરપોર્ટ પર તેમની ફ્લાઇટ્સમાં વિલંબ થઈ રહ્યો છે.
પેસેન્જર એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યાને કારણે, IGIA (ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ) પર ફ્લાઇટ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. તેમની ટીમ DIAL (દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ) સહિત તમામ હિસ્સેદારો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે, જેથી તેને શક્ય તેટલી વહેલી તકે ઉકેલી શકાય.”
અધિકારીઓએ મુસાફરોને નવીનતમ ફ્લાઇટ અપડેટ્સ માટે તેમની એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી હતી.
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ ડેટાને સપોર્ટ કરતી ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં ટેકનિકલ સમસ્યાને કારણે આ વિક્ષેપો સર્જાયા છે. કંટ્રોલર્સ ફ્લાઇટ પ્લાન મેન્યુઅલી પ્રોસેસ કરી રહ્યાં છે, જેના કારણે વિલંબ થઈ રહ્યો છે. ટેકનિકલ ટીમો વહેલી તકે સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.
ઘણી એરલાઇન્સે પણ તેમના મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટ સ્ટેટસ ચકાવવા અનુરોધ કર્યો હતો. એર ઇન્ડિયાએ એક મોર્નિંગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ફ્લાઇટમાં વિક્ષેપોને કારણે એરપોર્ટ અને ઓનબોર્ડ વિમાનોમાં વિલંબ અને રાહ જોવાનો સમય વધી રહ્યો છે. તેના કેબિન ક્રૂ અને ઓન-ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે તાત્કાલિક સહાય પૂરી પાડી રહ્યા છે.
બજેટ કેરિયર્સ સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ જણાવ્યું હતું કે આ વિક્ષેપને કારણે દિલ્હી અને ઉત્તર ભારતની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. સ્પાઇસજેટના ઓનલાઇન ટ્રાવેલ અપડેટ અનુસાર, ક્રૂ અને ગ્રાઉન્ડ ટીમ એરપોર્ટ સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરી રહી છે જેથી અસર ઓછી થાય અને શક્ય તેટલી વહેલી તકે સામાન્ય કામગીરી ફરી શરૂ થાય.
રાષ્ટ્રીય રાજધાનીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGIA) દેશનું સૌથી વ્યસ્ત વિમાનમથક છે અને તે દરરોજ 1,500 થી વધુ ફ્લાઇટની અવરજવરનું સંચાલન કરે છે.












