પશ્ચિમ બંગાળ મે મહિનામાં વિધાનસભા ચૂંટણી પહેલા જ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને શુક્રવારે વધુ એક મોટો ઝાટકો લાગ્યો હતા. ટીએમસીના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. દિનેશ ત્રિવેદી હવે ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે. તેમણે રાજ્યસભાના ચેરમેન વૈંકયા નાઇડુને રાજીનામાનો પત્ર આપ્યો હતો.
રાજ્ય સભામાં તેમણે જણાવ્યું હતુ કે, આપણે આપણી માતૃભૂમિ માટે જ કામ કરી રહ્યા છે. હવે મારાથી જોઈ શકાતુ નથી અને હુ એક જ જગ્યાએ પાર્ટીમાં સિમિત થઈ ગયો હોવાથી ગૂંગળામણ અનુભવી રહ્યો છું. આમ છતા અમે કશું કરી શકતા નથી. ત્યાં અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે મારો આત્મા મને કહી રહ્યો છે કે મારે રાજીનામુ આપીને બંગાળની જનતા વચ્ચે જવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મમતા બેનરજીની પાર્ટીમાંથી સંખ્યાબંધ મોટા નેતાઓ રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ત્રિવેદીનો જન્મ ગુજરાતના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.