વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નીતિ આયોગની મીટિંગમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે ભારત સરકાર અને રાજ્યોની સરકાર એક બીજાની સાથે મળીને કામ કરે તે બાબતે ભાર મુક્યો હતો. નીતિ આયોગના ગર્વનિંગ કાઉન્સિલની બેઠકને મહત્વની ગણાવીને તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સહકાર વધે અને તંદુરસ્ત સ્પર્ધા રહે તે જરુરી છે. આ પ્રકારની વિચારસરણીને રાજ્યો સુધી જ નહીં પણ જિલ્લા કક્ષાએ પણ લઈ જવી પડશે, જેથી વિકાસ માટેની સ્પર્ધા સતત ચાલતી રહે. જેમ કે કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્યો અને કેન્દ્રે મળીને કામ કર્યુ તો દેશને સફળતા મળી છે અને દુનિયામાં પણ ભારતની સારી ઈમેજ ઉભી થઈ છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે જોઈ રહ્યા છે કે, દેશની વિકાસ યાત્રામાં ખાનગી ક્ષેત્ર પણ વધારે ઉત્સાહથી યોગદાન આપી રહ્યુ છે. પ્રાઈવેટ સેક્ટરની આ ઊર્જાનુ સન્માન કરવુ જરુરી છે અને પ્રાઈવેટ સેક્ટરને આત્મનિર્ભર ભારત અભિયાનમાં એટલી જ વધારે તક આપવાની જરુર છે.
તેમણે કહ્યુ તહુ કે, આત્મનિર્ભર ભારત અભિયાન એવા ભારતના નિર્માણ કરવાનો રસ્તો છે જે પોતાની જરુરિયાત માટે અને સાથે સાથે દુનિયાના બીજા દેશોની જરુરિયાતને સંતોષવા માટે પણ ઉત્પાદન કરે અને શ્રેષ્ઠતાના માપદંડ પર તે ખરુ પણ ઉતરી શકે. કેન્દ્ર સરકારે અલગ અલગ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અલગ-અલગ સ્કીમો શરુ કરી છે. આ વખતે જે રીતે બજેટનું સ્વાગત થયું છે તે એ વાતનો સંકેત છે કે, દેશ વિકાસના રસ્તા પર ઝડપથી આગળ વધવા માંગે છે અને દરેક વ્યક્તિને દેશના નિર્માણમાં યોગદાન આપવાનો અવસર મળશે.