રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 25 બિલિયન ડોલરની લોન અને 12 બિલિયન ડોલરની ઇક્વિટી સાથે તેના ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસને સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં ટ્રાન્સફર કરશે. O2C બિઝનેસમાં ઓપેરટિંગ ટીમ અને 12 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો સમાવેશ થશે અને માલિક કંપની 25 બિલિયન ડોલરની લોન આપશે, એમ કંપનીએ 23 ફેબ્રુઆરીએ શેરબજારોને આપેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું. કંપનીએ સાઉદી અરામ્કો જેવા વિદેશી રોકાણકારોને હિસ્સો વેચવા માટે આ હિલચાલ કરી હોવાનું માનવામાં આવે છે.

O2C યુનિટમાં રિફાઇનિંગ એન્ડ પેટ્રોકેમિકલ બિઝનેસ, બીપી સાથેના ફ્યુઅલ રિટેલ જોઇન્ટ વેન્ચર અને રશિયાની સિબુર સાથેના રબર જોઇન્ટ વેચન્સરનો સમાવેશ થશે. આ વિભાજન બાદ રિલાયન્સ પાસે કેજી-ડી6 બ્લોક સહિત અપસ્ટ્રીમ ઓઇલ તથા ગેસ એન્ડ સંશોધન અને પ્રોડક્શન બિઝનેસ રહેશે. કંપનીનો રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને ટેલિકોમ બિઝનેસ જિયો પ્લેટફોર્મ પાસે રહેશે.

આ બિઝનેસને અલગ કંપનીમાં વિભાજિત કરવાથી વિદેશી રોકાણકારો લાવવામાં મદદ મળશે. કંપનીએ અગાઉ જુદા માળખાની વિચારણા કરી હતી, પરંતુ તે માટે સિક્યોરિટીઝ કાયદાનું પાલન થતું ન હતું. રિલાયન્સે અગાઉ જણાવ્યું હતું કે તે લિસ્ટેડ કંપની હોવાથી ડિફરન્શિયલ વોટિંગ રાઇટ્સ સાથેના શેર રોકાણકારોને ઇશ્યૂ કરી શકે નહીં. તેથી O2C બિઝનેસ સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં ટ્રાન્સફર કરાશે. આ કંપનીમાં બહારના રોકાણકારો રોકાણ કરી શકશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આશરે દોઢ વર્ષથી O2C યુનિટનો 20 ટકા હિસ્સો 25 બિલિયન ડોલરમાં સાઉદી અરામ્કોને વેચવાની મંત્રણા કરી રહી છે. જો આ સોદો સફળ થશે તો તેનાથી રિલાયન્સના દેવામાં ઘટાડો કરવામાં મદદ મળશે. O2C કંપનીનો મેનેજમેન્ટ અંકુશ રિલાયન્સ પાસે રહેશે. O2C બિઝનેસના ટ્રાન્સફર માટે કોર્ટ, શેરહોલ્ડર્સ અને લેણદારોની મંજૂરી લેવી પડશે. આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2021 સુધી પૂરી થવાની ધારણા છે.