ભારતમાં આજે બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. કુલ 77 બેઠકમાં બંગાળની 30 અને આસામની 47 બેઠકો પર સવારે સાત કલાકથી મતદાન શરૂ થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બપોરે 2 વાગ્યા સુધી બંગાળમાં 54.90% અને આસામમાં 45.24% મતદાન નોંધાયું છે. કોરોનાની સ્થિતિને કારણે મતદાનનો સમય 1 કલાક વધારીને છ વાગ્યાનો કરવામાં આવ્યો છે.
આ દરમિયાન 60 મતદાન મથકો પર EVM સાથે છેડછાડ થયાની ફરિયાદ સામે આવી છે. કેટલીક જગ્યાએ EVMમાં ટેકનિકલ ખામીના કારણે મતદારોએ 2 કલાક સુધી રાહ જોવી પડી હતી. બીજી તરફ ભાજપે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર પુરૂલિયામાં મતદારોને રૂપિયા વહેંચવાનો આક્ષેપ કરીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
આ દરમિયાન બંગાળના કાંથીમાં ભાજપના નેતા સોમેંદુ અધિકારીની કાર પર હુમલો થયો છે. સોમેંદુનો આરોપ છે કે તેમની કાર પર કરવામાં આવેલા હુમલામાં તૃણમૂલના નેતા રામગોવિંદ દાસનો હાથ છે. આ હુમલામાં સોમેંદુને ઇજા થઈ નથી, પરંતુ તેમના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ થઇ છે.