પૂણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે વન ડે સિરિઝ જીત્યા બાદ ભારતીય ટીમે ટ્રોફી મેળવી હતી. (PTI Photo/Kunal Patil)

પૂણેમાં રવિવારે રાત્રે પુરી થયેલી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં પણ ભારતે રોમાંચક મુકાબલામાં છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવી મેચ અને સીરીઝ 2-1થી જીતી લીધા હતા. ઈંગ્લેન્ડની ટીમે આ પ્રવાસમાં ટેસ્ટ, ટી-20 અને છેલ્લે વન-ડે ઈન્ટરનેશનલ્સની સીરીઝ પણ ગુમાવી હતી. ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ પછી જો કે, ભારતે જબરજસ્ત વર્ચસ્વ જમાવ્યું હતું, પણ ટી-20 અને વન-ડે સીરીઝમાં મુકાબલો ખૂબજ રસાકસીભર્યો રહ્યો હતો અને ટી-20માં ભારતે 3-2થી તેમજ વન-માં 2-1થી સીરીઝ કબજે કરી તે પહેલા ઈંગ્લેન્ડ માટે પણ વિજયની પુરતી તકો હતી.

રવિવારની મેચમાં પણ ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું. ભારતે 48.2 ઓવર્સમાં 329 રન કર્યા હતા. એ વખતે એવું લાગતું હતું કે જે 10 બોલ ભારતે ઓછી બેટિંગ કરી હતી, તે કદાચ વિજય-પરાજયનું અંતર બની જાય તો નવાઈ નહીં, કારણ કે અગાઉની જ બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે રેકોર્ડ રનચેઝ કરી 337 રનનો ટાર્ગેટ 43.3 ઓવર્સમાં હાંસલ કર્યો હતો, તેની તુલનાએ 330 રન પડકારજનક તો કહી જ ના શકાય. પણ શુક્રવારનો દિવસ ઈંગ્લેન્ડનો હતો, તો રવિવારનો દિવસ ભારતનો રહ્યો. રવિવારે છેલ્લી ઓવરમાં તક હોવા છતાં ઈંગ્લેન્ડનો સેમ કરન હાર્દિક પંડ્યા સામે જરૂરી રન કરી શક્યો નહીં અને છેલ્લા ચાર બોલમાં 12 રન કરવાના હતા, પછી તે ફક્ત ચાર રન કરી શક્યો હતો. કરન જો કે 95 રને અણનમ રહ્યો હતો અને તેને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. જોની બેરસ્ટોને મેન ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો.

એક તબક્કે ઈંગ્લેન્ડે 200 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી પણ એ પછી મોઈન અલી અને આદિલ રશીદે પણ થોડો પ્રતિકાર કર્યો હતો અને ઈંગ્લેન્ડના વિજયની તકો ઉભી થઈ હતી, બીજી તરફ ભારતે સંખ્યાબંધ કેચ ગુમાવ્યા હતા, જેમાંથી બે તો હાર્દિક પંડ્યાએ જ છોડ્યા હતા, તો છેલ્લી ઓવરમાં ઉપરાઉપરી બે કેચ ઝિલાયા નહોતા.

એકંદરે નસીબનો સાથ મળતાં ભારત વિજેતા રહ્યું હતું. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ચાર અને ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ લીધી હતી. ભારત તરફથી ઓપનર રોહિત શર્માએ 37, શિખર ધવને 67, રીષભ પંતે 78, હાર્દિક પંડ્યાએ 64 તથા શાર્દુલ ઠાકુરે 30 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો, પણ ભારત 48.2 ઓવર્સમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને તે રીતે ઈંગ્લેન્ડને 10 બોલ વધુ રમવા મળે તેમ હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3, આદિલ રશીદે 2 તથા બીજા પાંચ બોલર્સે એક-એક વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને ભુવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં જેસન રોયને તથા પછી ત્રીજી ઓવરમાં જોની બેરસ્ટોની વિકેટો ખેરવી તેને ભીંસમાં મુકી દીધું હતું. એ પછી પણ નિયમિત અંતરે ઈંગ્લેન્ડની વિકેટો પડતી રહી હતી અને 200 રનમાં તો તેના ટોચના સાત બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા હતા. પણ એ તબક્કે મેદાનમાં આવેલા સેમ કરને મોઈન અલી, પછી રશીદ અને છેલ્લે માર્ક વુડ સાથેની ભાગીદારીમાં ભારતીય બોલર્સને હંફાવ્યા હતા.

બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડનો રેકોર્ડ રન-ચેઝ, 6 વિકેટે વિજયઃ શુક્રવારે (26 માર્ચ) રમાયેલી બીજી વન-ડેમાં 336ના ભારતના જંગી સ્કોર પછી ઈંગ્લેન્ડ તરફથી જોની બેરસ્ટો તથા બેન સ્ટોક્સે ઝમકદાર બેટિંગ કરી 43.3 ઓવર્સમાં જ ચાર વિકેટે 337 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

ભારત તરફથી રાહુલે 108, રીષભ પંતે 77, સુકાની કોહલીએ 66 અને હાર્દિક પંડ્યાએ 35 રન કર્યા હતા, તો ઈંગ્લેન્ડ તરફથી ટોપલી અને ટોમ કરને બે-બે તેમજ સેમ કરન અને આદિલ રશીદે 1-1 વિકેટ ઝડપી હતી. જવાબમાં ઈંગ્લેન્ડના જેસન રોયે 55, બેરસ્ટોએ 124 તથા બેન સ્ટોક્સે 99 રન કર્યા હતા. સ્ટોક્સ અને બેરસ્ટોએ ફક્ત ૧૮.૫ ઓવરમાં ૧૭૫ રનની ભાગીદારી કરી હતી. સદી કર્યા બદલ જોની બેરસ્ટોને મેન ઓફ ધી મેચ એવોર્ડ અપાયો હતો.

પ્રથમ વન-ડેમાં ભારતનો 66 રને વિજયઃ મંગળવારે (23 માર્ચ) રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે પહેલા બેટિંગ કરતાં પાંચ વિકેટે 317 રન કર્યા હતા, તો ઈંગ્લેન્ડ ફક્ત 42.1 ઓવર્સમાં 251 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો 66 રને વિજય થયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યાએ પહેલી જ વન-ડે રમી ઝમકદાર 58 રન ફક્ત 31 બોલમાં કર્યા હતા, તો ઓપનર શિખર ધવન કમનસીબે ફક્ત બે રનથી સદી ચૂક્યો હતો. તે ઉપરાંત કોહલીએ 56 તથા રાહુલે અણનમ 62 રન કર્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે 46 તથા જોની બેરસ્ટોએ 94 રન કર્યા હતા, પણ એ પછી કોઈ બેટ્સમેન કઈં ખાસ કરી શક્યો નહોતો. ભારત તરફથી નવોદિત પ્રસિદ્ધ ક્રિષ્નાએ પહેલી જ વન-ડેમાં 8.1 ઓવર્સમાં 54 રન આપી ચાર વિકેટ ઝડપી કોઈપણ ભારતીય બોલરના શ્રેષ્ઠ ડેબ્યુનો નવો રેકોર્ડ કર્યો હતો. તે ઉપરાંત શાર્દુલ ઠાકુરે ત્રણ, ભુવનેશ્વર કુમારે બે તથા કુણાલ પંડ્યાએ એક વિકેટ ઝડપી હતી. શિખર ધવનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.