ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાતને પગલે બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાં હિંસા થઈ હતી અને ઓછામાં ઓછા 10 વ્યક્તિના મોત થયા હતા. કટ્ટરવાદી ઇસ્લામિક જૂથોએ પૂર્વ બાંગ્લાદેશમાં રવિવારે હિન્દુ મંદિરો પર હુમલા કર્યા હતા. દેખાવકારોએ એક ટ્રેન પર પણ હુમલો કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
મોદીની મુલાકાતના વિરોધમાં ઇસ્લામિક ગ્રૂપો દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ સાથેની અથડામણોમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. મોદી ગયા બાદ હિંસા વધુ વકરી હતી અને મોતની સંખ્યામાં વધારો થયો હતો. મોદીએ બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષની ઉજવણીમાં ભાગ લેવા માટે શુક્રવારે ઢાકાની મુલાકાત લીધી હતી. બાંગ્લાદેશને 1.2 મિલિયન કોરોના વેક્સીનની ગીફ્ટ આપ્યા બાદ મોદી શનિવારે વિદાય થયા હતા. શુક્રવારે ઢાકામાં પોલીસે દેખાવકારો સામે ગીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો અને તેનાથી ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. શનિવારે ચિત્તાગોંગ અને ઢાકામાં મોટી સંખ્યામાં લોકોએ દેખાવો કર્યા હતા.
રવિવારે હેફાઝત એ ઇસ્લામ ગ્રૂપના કાર્યકરોએ બ્રહ્મનબારિયા જિલ્લામાં એક ટ્રેન પર હુમલો કર્યો હતો. તેનાથી દસ લોકો ઘાયલ થયા હતા. આ શહેરમાં કેટલાંક હિન્દુ મંદિરો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. દેખાવકારોએ રવિવારે રાજશાહી જિલ્લામાં બે બસને આંગ ચાંપી હોવાના પણ અહેવાલ હતા.