ચેપ છ મહિના માટે સૌથી ઓછો છે અને કોવિડ મૃત્યુ ઘટી રહ્યા છે ત્યારે ચાળીસ સાંસદોએ વડા પ્રધાન બોરીસ જોન્સનને મુસાફરી પર નિયંત્રણો સરળ બનાવવા અને વિદેશની હોલીડેઝ પરનો પ્રતિબંધ દૂર કરવા હાકલ કરી છે. જૂથે ચેતવણી આપી હતી કે, સમૃધ્ધ પર્યટન વિના દેશ સંપૂર્ણ રીતે સાજો નહીં થાય.
ક્રોસ-પાર્ટીના ચાલીસ સાંસદોએ પ્રવાસ પરનો પ્રતિબંધ મુલતવી રાખવા વડા પ્રધાનને ચેતવણી આપતા પત્રમાં જણાવ્યું હતું કે ‘’દેશના આર્થિક વિકાસ માટે વિદેશી હોલીડેઝ આવશ્યક છે. દેશ એક વિકસિત પ્રવાસન, મુસાફરી અને ઉડ્ડયન ઉદ્યોગ વિના ‘વિનાશક’ મહામારીથી સંપૂર્ણ રીતે બહાર નહીં આવે. સુરજની ઝંખના કરતા લાખો લોકોને ઉનાળાની રજાઓ વિદેશમાં માણવાની છૂટ હોવી જ જોઇએ. એક ટાપુ રાષ્ટ્ર તરીકે, આપણે સમૃદ્ધ ઉડ્ડયન અને મુસાફરી ક્ષેત્ર વિના આ રોગચાળાના વિનાશક પ્રભાવોથી સંપૂર્ણ રીતે છૂટકારો મેળવી શકતા નથી. અમે સરકારને એવા પગલાં રજૂ કરવા વિનંતી કરીએ છીએ કે 17 મેથી આંતરરાષ્ટ્રીય મુસાફરીને સુરક્ષિત રીતે પ્રારંભ કરવા દે.’
આ પત્ર પર પૂર્વ કેબિનેટ મિનિસ્ટર કરેન બ્રેડલી, એક્સ એવિએશન મિનિસ્ટર પૌલ મેનાર્ડ અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન મેરીમેન સહિત 40 સાંસદો અને છ પીયર્સે હસ્તાક્ષર કર્યા હતા.