લેસ્ટરના સેફ્રોન લેન વિસ્તારના ગેજ વેના એક મકાનમાંથી ગયા અઠવાડિયે તા. 23 માર્ચના રોજ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી સ્મિતા મિસ્ત્રી નામની 32 વર્ષીય મહિલાની હત્યાના આરોપસર એક યુવાનને અદાલતમાં હાજર કરી હત્યાનો આરોપ મૂકાયો છે.

લેસ્ટરના સેન્ટ પીટર રોડ ખાતે રહેતા હત્યાના 36 વર્ષીય આરોપી ફ્રેન્ક ફેરલને લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાતા તેણે ટૂંકમાં રજૂઆત કરી હતી. તેને ફક્ત નામ અને સરનામુ પૂછવામાં આવ્યું હતું. તેના વતી કોઇ પ્લી દાખલ કરવામાં આવી ન હતી અને તેને મેજીસ્ટ્રેટે ફરીથી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. જેને હવે તા. 30 માર્ચ, મંગળવારે લેસ્ટર ક્રાઉન કોર્ટમાં હાજર કરાશે.

પોલીસ અધિકારીઓએ શ્રીમતી મિસ્ત્રીનો ફોટોગ્રાફ બહાર પાડ્યો હતો, જેઓ સ્મિતા સૉન્ડર્સ તરીકે પણ ઓળખાય છે. તપાસની આગેવાની કરનાર ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર નિકોલ મેઈને કહ્યું હતું કે હત્યા પહેલા તેમનો સંપર્ક કરનાર લોકોને માહિતી આપવા અપીલ કરી છે. પોલીસ તા. 21 માર્ચ, રવિવારે રાત્રે 8.20 વાગ્યે ગેજ વેમાં પાર્ક કરાયેલી અને ‘હળવા રંગની, સંભવત સિલ્વર’ કાર ચલાવતા એક પુરૂષને શોધી રહી છે. આ સમગ્ર તપાસ દરમિયાન, નિષ્ણાંત અધિકારીઓ સ્મિતાના પરિવારને સંપૂર્ણ ટેકો આપી રહ્યા છે. પોલીસે આ કેસના સંપૂર્ણ સંજોગો સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે.

પોલીસે “તા. 19 અને 23 માર્ચની વચ્ચે ગેજ વેના ક્ષેત્રમાં કંઈપણ જોયું અથવા સાંભળ્યું હોય તેના પર વિચાર કરી પોલીસને પૂછપરછમાં મદદ કરવા વિનંતી કરી સીસીટીવી અથવા કારના ડેશકેમના વિડીયો ફૂટેજ આપવા જણાવ્યુ છે.