ફાઇલ ફોટો (Photo by MANJUNATH KIRAN/AFP via Getty Images)

ફ્રાન્સની એક ન્યૂઝ વેબસાઈટ, મીડિયા-પાર્ટે ફરી એકવાર રાફેલ યુદ્ધ વિમાનોના સોદામાં એક ભારતીય વચેટિયાને કટકી ચૂકવાયાના અહેવાલો આપ્યા છે. આ અહેવાલમાં કેટલાક અન્ય સવાલો પણ રજૂ કરાયા છે. મીડિયા પોર્ટના દાવા મુજબ તેને ફ્રેન્ચ એન્ટી-કરપ્શન એજન્સી AFAનો તપાસ અહેવાલ હાથ લાગ્યો હતો, જેમાં દર્શાવાયેલી વિગતો અનુસાર દસોલ્ટ એવિએશને કેટલીક શંકાસ્પદ ચૂકવણી કરી છે. કંપનીના 2017ના હિસાબોમાં ઑડિટમાં 5 લાખ 8 હજાર 925 યુરો (4.39 કરોડ રુપિયા) ક્લાયન્ટ ગિફ્ટના નામે ખર્ચાયેલા બતાવાયા છે, પરંતુ આટલી મોટી રકમના કોઈ ચોક્કસ પુરાવા અને સ્પષ્ટીકરણ કરાયું નથી. દસોલ્ટે એવો પણ પાંગળો બચાવ રજૂ કર્યો હતો કે આ રકમ રાફેલ વિમાનોના 50 મોડલ બનાવવા માટે ચૂકવવામાં આવી હતી, પણ એ મોડલ વિમાનો બન્યાના કોઈ પુરાવા રજૂ કરાયા નથી.

આ મોડલ માટે દરેક નંગના 20 હજાર યુરો (17 લાખ રુપિયા) ના દરે ચૂકાવાયોનો દાવો દસોલ્ટે કર્યો હતો. આ મોડલ્સ બનાવવા માટે ભારતની કંપની ડીફસીસ સોલ્યુશન્સને કામ સોંપાયું હતું. આ કંપની ભારતમાં દસોલ્ટની સબ-કોન્ટ્રાક્ટર કંપની છે. આ કંપનીની માલિકી ધરાવતા પરિવાર સાથે જોડાયેલા સુષેન ગુપ્તા સંરક્ષણ સોદામાં વચેટીયા અને દસોના એજન્ટ પણ હતા.

સુષેન ગુપ્તાની 2019માં ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે ધરપકડ પણ કરી હતી. મીડિયા-પાર્ટના અહેવાલ અનુસાર સુષેન ગુપ્તાએ જ દસોલ્ટ એવિએશનને માર્ચ 2017માં રાફેલ મોડલ બનાવવાનું બિલ આપ્યું હતું.

એએફએના ઈન્સ્પેકટર્સે દસોલ્ટ પાસેથી એવી સ્પષ્ટતા માંગી કે કંપનીએ આટલી મોંઘી કિમતના પોતાના પ્લેનના મોડલ્સ બનાવવાનું ભારતીય કંપનીને કેમ સોંપ્યું? પછી એ રકમને ક્લાયન્ટને ગીફટ શા માટે દર્શાવાઈ? તે ઉપરાંત, એક નાની કારની સાઈઝના આ પ્લેનના મોડેલ્સ આખરે બન્યા હતા ખરા?

મીડિયા પોર્ટના અહેવાલ મુજબ દસોલ્ટ આ મોડલ વિમાનો બન્યાના કોઈ આધાર કે પુરાવા, એકેય ફોટો પણ દસોલ્ટ રજૂ કરી શકી નહોતી. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આ મુદ્દે વડાપ્રધાન મોદી સ્પષ્ટતા કરે, કટકીની તપાસ કરાય તેવી માંગણી કરી હતી.