કોરોના વાઇરસના કેસોમાં જંગી વધારાને પગલે ઓસ્ટ્રેલિયાએ મંગળવારની અસરથી 15 મે સુધી ભારતમાંથી તમામ ડાયરેક્ટ પેસેન્જર ફ્લાઇટ સસ્પેન્ડ કરી છે, એવી વડાપ્રધાન સ્કોટ મોરિસનને જાહેરાત કરી હતી. ભારત માટે સરહદ બંધ કરવાની જાહેરાતની સાથે મોરિસનને કોરોના સામેની લડાઇ માટે તાકીદે સહાય પેકેજ પણ જાહેર કર્યું હતું.
કેબિનેટની નેશનલ સિક્યોરિટીઝ કમિટીની બેઠક બાદ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાંથી આગમન પરના પ્રતિબંધની 15 મે પહેલા સમીક્ષા કરાશે. ઓસ્ટ્રેલિયાના આ પ્રતિબંધથી સિડનીની ડાયરેક્ટ ફ્લાઇટ તથા ડાર્વિનમાં આવનારી બે રિપેટ્રિયેશન ફ્લાઇટને અસર થશે. ઇન્ડિયન પ્રીમિયમ લીગમાં રમતા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો સહિતના હજારો લોકોને આ પ્રતિબંધથી અસર થશે.
સિંગાપોર, દોહા, દુબઇ અને કુઆલાલંપુર થઈને ભારતમાંથી આવતી તમામ ઇનડાયરેક્ટને પણ સંબંધિત સરકારોએ અટકાવી દીધી છે. રાહત પેકેજની જાહેરાત કરતાં મોરિસને જણાવ્યું હતું કે કોરોના સામે લડાઇ માટે ઓસ્ટ્રેલિયા ભારતની સંખ્યાબંધ વસ્તુઓ મોકલશે. ઓસ્ટ્રેલિયા 500 વેન્ટિલેટર્સ, એક મિલિયન સર્જિકલ માસ્કર, 500,000 પ્રોટેક્ટિવ એન્ડ સર્જિકલ માસ્કર, ગોગલ્સ અને ફેસશીલ્ડ મોકલશે. આ પ્રારંભિક પેકેજ ઉપરાંત પણ બીજી સહાય જાહેર કરવામાં આવશે.