કોરાના મહામારીના ભયાનક સંકટ સામે ઝઝૂમી રહેલા ભારતને મદદ કરવા માટે અમેરિકાની ટોચની 40 કંપનીઓ આગળ આવી છે. આ તમામ કંપનીઓના સીઈઓએ ભારતને મદદ કરવા માટે ગ્લોબલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ફ તેના પ્રકારનું પ્રથમ છે અને તે ભારતને મદદ કરવા માટે સંશાધનો ઊભા કરશે અને પ્રયાસોનું સંકલન કરશે.

ડિલોઇટના સીઇઓ પુનિત રેન્જેન જણાવ્યું હતું કે આ માટે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સની યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ તેમજ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમની એક બેઠક સોમવારે મળી હતી. તેમાં એક ટાસ્ક ફોર્સ બનાવાયું છે. આગામી કેટલાક સપ્તાહમાં ટાસ્ક ફોર્સ દ્વારા ભારતને 20,000 ઓક્સિજન મશિન મોકલવામાં આવશે.

દુનિયામાં પહેલી વખત એવુ બન્યુ છે કે, કોઈ દેશને મદદ કરવા માટે આ પ્રકારનુ કોઈ ગ્રૂપ બનાવાયુ હોય. આ અંગે અમેરિકાના વિદેશ પ્રધાન ટોની બ્લિન્કને કહ્યું હતું કે, ભારત અને અમેરિકા કોરોનાના સંકટ સામે લડવા માટે પોતાની વિશેષતાઓનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

દરમિયાન ટાસ્ક ફોર્સનુ કહેવું છે કે, ભારત માટે સૌથી વધારે જરુરી ઓક્સિજન અને તે માટેના કોન્સન્ટ્રેટર્સ છે. આગામી કેટલાક સપ્તાહોમાં 20,000 કોન્સન્ટ્રેટર્સ ભારત મોકલવામાં આવશે. આ સપ્તાહે જ 1,000 મશિનો પહોંચી રહી છે. પાંચ મે સુધીમાં વધુ 11,000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ભારતમાં પહોંચી જશે. બીજો મુદ્દો 10 લિટર અને 45 લિટરની ક્ષમતા ધરાવતા ઓક્સિજન સિલિન્ડર મોકલવાનો છે. જેના પર પણ કામ થઈ રહ્યુ છે.

તેમણે જણાવ્યું હતું કે અમારો હેતુ 25,000 કે તેનાથી પણ વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મેળવવાનો છે. આ ટાસ્ક ફોર્સમાં રિટેલ, ઇ-કોમર્સ, ફાર્મા, ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કંપનીઓ સામેલ છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુઝાન ક્લાર્કે જણાવ્યું હતું કે વૈશ્વિક કટોકટી માટે વૈશ્વિક પ્રતિસાદની જરૂર છે.