ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. દૈનિક કેસનો આંકડોની સાથે મોતની સંખ્યામાં મોટો વધારો થયો હોવાથી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે જણાવ્યા અનુસારદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.79 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 3645 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ બંને આંકડા અત્યાર સુધીના સૌથી ઊંચા છે.
સરકાના ડેટા અનુસાર દેશમાં વાયરસના નવા 3,79,257 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,50,86,878 લોકો રિકવર થયા છે. જ્યારે 30,84,814 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાથી 3645 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃતકોની સંખ્યા 2,04,832 થઈ છે. દેશમાં એક જ દિવસમાં 2,69,507 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ 15,00,20,648 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે.
રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના નવા 25,986 દર્દીઓ નોંધાયા હતા. એક જ દિવસમાં સંક્રમણના કારણે 368 લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. નવા કેસની સાથે જ રાજધાનીમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 10,53,701 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 14,616 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
ગુજરાતમાં લોકોના સ્વૈચ્છિક લોકડાઉનને કારણે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોથી 14 હજાર પર સ્થિર થઈ ગઈ છે. રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા છે. જ્યારે 174 દર્દીઓના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 24 કલાક દરમિયાન 8,595 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા છે. રાજ્યમાં આજે કુલ 1,35,256 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા 14,120 કેસોમાંથી સૌથી વધુ અમદાવાદમાં 5,692, સુરતમાં 1,764, વડોદરામાં 622, મહેસાણામાં 491, જામનગરમાં 407, રાજકોટમાં 363, સુરતમાં 352, સુરેન્દ્રનગરમાં 251, ભાવનગરમાં 250 કેસ નોંધાયા છે.