ભારતમાં કોરોનાના કહેરથી ઓક્સિજનની અછત ઊભી થઈ છે ત્યારે સિંગાપોરના ચાંગી એરપોર્ટ પરથી વિમાન મારફત ઓક્સિજન ટેન્ક મોકલવામાં આવી હતી. this picture taken April 24, 2021 obtained from social media. High Commission of India for Singapore/via REUTERS

ભારતમાં રોજેરોજ વધી રહેલા કોરોનાના રેકોર્ડબ્રેક કેસોના નિવારણમાં આરોગ્યતંત્ર નબળું નીવડવાની સચ્ચાઇ વચ્ચે વિશ્વના અનેક દેશો તરફથી મદદનો પ્રવાહ ઉમટવા લાગ્યો છે. તાકીદની સારવાર માટે જરૂરી ઓક્સિજનની ઉભી થયેલી કારમી અછતને પહોંચી વળવા હવે વિશ્વભરના દેશો તરફથી તેમનાથી બનતી મદદ માટે તાકીદની વ્યવસ્થામાં લાગી ગયા છે. 28 દેશોના બ્લોક યુરોપીયન યુનિયન, અમેરિકા, ફ્રાંસ, જર્મની, સિંગાપુર, સંયુક્ત આરબ અમિરાત અને અન્યોએ ઓક્સિજન, જીવનરક્ષક દવાઓ પીપીઇ કીટ, ઓક્સિજન કોન્સન્ટ્રેટરો, લીકવીડ ઓક્સિજન અને અન્ય તમામ મદદ માટેનું સપોર્ટ મિશન હાથ ધરેલ છે.

ભારતમાં સાડા ત્રણ લાખથી વધુ રોજિંદા રેકોર્ડબ્રેક કેસો નોંધાતા ભારત સરકારે પણ ઘરઆંગણે વિભિન્ન વહીવટી નિર્ણયો લઇ કોરોના કટોકટીના સામનાની તૈયારી આરંભી છે. સરકારે વિદેશોમાંથી ભારતીય સાગરકાંઠે આવતા મદદના જહાજો માટે તમામ પ્રકારના ચાર્જીસ નાબૂદ કર્યા હતા. ઓક્સિજન ટેંકો, બોટલો, પોર્ટેબલ ઓક્સિજન જનરેટરો, ઓક્સિજન કન્સન્ટ્રેટરો અને અન્ય તબીબી સહાય સાથે આવતા જહાજો માટે મેજર પોર્ટ ટ્રસ્ટ દ્વારા વસુલાતા તમામ ચાર્જીસ રદ કરાયા છે. આ ઉપરાંત કસ્ટમ, ક્લીયરન્સ, દસ્તાવેજ, નોંધણી કે જહાજ ખાલી કરવાની પ્રક્રિયાને પણ યુદ્ધના ધોરણે હાથ ધરવા આદેશ અપાયા છે.

ભારત સરકારે ઘરઆંગણે બિનતબીબી વિષયક હેતુસર ઓક્સિજનના વપરાશની મનાઇ ફરમાવીને દેશમાંના ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટોમાં ઉત્પાદન વધારવા આદેશ આપ્યો હતો. ગૃહસચિવ અજય ભલ્લાએ તબીબી હેતુસરના ઓક્સિજન પુરવઠાની અસ્ખલિત અવરજવરની પણ તાકીદ કરી છે. અૌદ્યોગિક ઓક્સિજન વપરાશ નિયંત્રિત કરતો આદેશ પણ અપાયો હતો. ભારતને આવશ્યક દવાઓ અને ઓક્સિજન પુરવઠો પૂરો પાડવાની માહિતી આપવા યુરોપીય યુનિયન પંચના પ્રમુખ ઉર્સુલા લેયેને જણાવ્યું હતું કે, યુરોપીય યુનિયન ભારત અને ભારતની પ્રજાની પડખે અડીખમ ઉભું રહેશે. ભારત ખાતે ઇયુના રાજદૂત ઉગો અસ્તુતો, યુરોપીયન નાગરિક સુરક્ષા અને માનવીય સહાય માટેના કમિશનર જાનેઝ તથા અન્યોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના બીજા વિકરાળ મોજાંનો સામનો કરતા ભારતની તમામ સહાય માટે ઇયુ તેના શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

ઉડ્ડયન ઉદ્યોગના વર્તુળોના જણાવ્યાનુસાર ભારત – અમેરિકાની એરઇન્ડિયાની બે ફલાઇટોમાં 600 ઓક્સિજન કોન્સન્ટ્રેટરો અમેરિકાથી ભારત લાવવા રવાના કરાયા છે. એર-ઇન્ડિયા આવા 10000 કોન્સન્ટ્રેટરો આગામી સપ્તાહોમાં ભારત લાવનાર છે.

સાઉદી અરબિયાથી 80 મેટ્રીકટન લીકવીડ ઓક્સિજન ભારત આવવા સાગરમાર્ગે રવાના કરાયો છે. યુએઇની લિન્ડે સાથેના કરાર અંતર્ગત ચાર આઇએસઓ ક્રાયોજેનિક ટેન્કોનું પ્રથમ શીપમેન્ટ દમ્મામથી મુંદ્રા બંદરે પહોંચશે તેમ અદાણી ગૃપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ તેમની ટ્વીટમાં જમાવ્યું હતું. “ઓક્સિજન મૈત્રી” ઓપરેશન હેઠળ ભારતીય હવાઇદળનું સી-17 વિમાન સિંગાપુરથી ચાર ક્રાયોજેનિક ટેંકો સાથે પશ્ચિમ બંગાળા પાવાગઢ એરબેઝ ખાતે ઉતર્યું હતું. ફ્રાંસના પ્રમુખ ઇમાનુલ માક્રોન, અફઘાનના વિદેશ પ્રધાન મહંમદ હનિફ ગનીએ પણ કોરોના કટોકટીમાં પટકાયેલા ભારતને તમામ સહાયની તૈયારી બતાવતા પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભારત અને ભારતીય પ્રજાની કામ વધારતી પ્રાર્થના પણ કરી હતી.