ભારતમાં કોરોના સંકટને પગલે અમેરિકાએ તેના નાગરિકોને ભારતનો પ્રવાસ ન કરવાની અથવા શક્ય હોય તેટલી ઝડપથી ભારતમાંથી નીકળી જવાની સલાહ આપી છે. કોરોનાના કેસોમાં જંગી ઉછાળાને પગલે ભારતમાં તમામ પ્રકારની મેડિકલ સારવારને ફટકો પડ્યો હોવાથી અમેરિકાએ ભારતને લેવલ ફોર ટ્રાવેલ એડવાઇઝરીમાં મૂક્યું છે. વિદેશ વિભાગ દ્વારા જારી થતી આ હાઇએસ્ટ લેવલની એડવાઇઝરી છે.

લેવલ-ફોર એડવાઇઝરીમાં એવું કહેવામાં આવે છે કે અમેરિકાના નાગરિકો ભારતનો પ્રવાસ ન કરે અથવા શક્ય હોય તેટલી ઝડપથી ભારતમાંથી બહાર નીકળી જાય.

અમેરિકાના વિદેશ વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોરોના કેસોમાં ઉછાળાને કારણે મેડિકલ સારવાર ખૂબ જ મર્યાદિત બની છે. ભારતમાંથી રવાના થવા માગતા અમેરિકાના નાગરિકોએ ઉપલબ્ધ કોમર્શિયલ વિકલ્પનો હવે ઉપયોગ કરવો જોઇએ. અમેરિકા માટેની ડેઇલી ડાયરેક્ટ ફ્લાટ તથા વાયા પેરિસ અને ફ્રેન્કફર્ટની ફ્લાઇટ ઉપલબ્ધ છે.
નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીએ હેલ્થ એલર્ટ જારી કરીને જણાવ્યું હતું કે કોરોના કેસોમાં અસાધારણ ઉછાળાને પગલે ભારતમાં તમામ પ્રકારની મેડિકલ સુવિધા દુર્લભ બની છે. ભારતમાં આરોગ્ય અને સુરક્ષા સંબંધિત માહિતી એમ્બેસીમાંથી મેળવવા માટે step.state.govમાં STEP (સ્માર્ટ ટ્રાવેલર એનરોલમેન્ટ પ્રોગ્રામ)માં રજિસ્ટ્રેશન કરવાવા અમેરિકાના નાગરિકોને અનુરોધ કરીએ છીએ.

ભારતના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે જણાવ્યા અનુસારદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.79 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 3645 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ બંને આંકડા અત્યાર સુધીના સૌથી ઊંચા છે.