લંડનમાં લેબર પાર્ટીના એમપી ડોન બટલર તથા શહેરના મેયર અને લેબર નેતા સાદિક ખાને નીસડનમાં બેપ્સના શ્રી સ્વામિનારાયણ મંદિરે રાહત ફંડ એકત્ર કરવા યોજાયેલ ચેરિટી સાઇકલ રાઇડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. (Photo by Hollie Adams/Getty Images)

મૃત્યુમાં અવિરત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારતમાં બીએપીએસના કોવિડ-19 રાહત કાર્યને ટેકો આપવા સાયકલ ચેલેન્જ દ્વારા માત્ર છ દિવસમાં £602,000થી વધુ રકમ એકત્ર કરી હતી.

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા 28 એપ્રિલના ​​રોજ ‘સાયકલ ટુ સેવ લાઈવ ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત 48 કલાકના નોન સ્ટોપ સ્ટેટીક સાયકલ રિલે ચેલેન્જની શરૂઆત કરાઇ હતી. આ માટે લંડન અને દિલ્હી વચ્ચેનું 7600 કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય હતું. પરંતુ બમણા કરતા વધારે કુલ 20,127 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું.

આ રિલેના ભાગ રૂપે 787 સહભાગીઓએ લંડન, ચિગવેલ અને લેસ્ટરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં શનિવાર 1 મેથી સોમવાર 3 મે સુધી દિવસ-રાત સાયકલ ચલાવી 13,000થી વધુ દાતાઓની મદદ થકી £500,000થી વધુ રકમ એકત્રિત કરી હતી. જેમાંથી દરેક પેની ભારતમાં જીવન બચાવતા રાહત કાર્યો માટે ફાળવવામાં આવશે. આ માટે કડક કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાયું હતું. મગળવારે મળતા છેલ્લા આંકડા મુજબ જસ્ટ ગીવીંગ વેબસાઇટ પર 14615 દાતાઓની મદદથી £602,145નું દાન એકત્ર કરાયું હતું.

બીએપીએસના ટ્રસ્ટી ડૉ. મયંક શાહે જણાવ્યું હતું કે “સમુદાયના અવિશ્વસનીય સમર્થનથી અમે અનંદીત છીએ. અમે આ કાર્યક્રમને ફળદાયી બનાવવા માટે દરેક સમર્થક તેમજ અમારા સાયકલ સવારો અને સ્વયંસેવકોનો ‘આભાર’ માનીએ છીએ.”

લંડનના મંદિરના વડા યોગવિવેકદાસ સ્વામીએ કહ્યું હતું કે, “આ દુર્ઘટના છે, વિશ્વભરમાં જીવલેણ વાયરસથી લોકોની અસર થઈ રહી છે. આપણે એક માનવ સમુદાય તરીકે મળીને કામ કરવું છે, કારણ કે, આખરે, અહીં સુરક્ષિત રહેવાનો એકમાત્ર રસ્તો છે જો દરેક જણ દરેક જગ્યાએ સલામત હોય.”

આ અભિયાનને ટેકો આપવા માટે હજી તક છે. તમે નીસ્ડન મંદિરની દાન સાઇટ https://londonmandir.baps.org/support-coronavirus/ અથવા જસ્ટિગિવીંગ વેબસાઇટ https://justgiving.com/campaign/indiacovidcycleappeal ની મુલાકાત લઈને અથવા [email protected]. પર ઇમેઇલ કરીને દાન કરી શકશો.

પ. પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદથી, ભારતમાં બીએપીએસએ અટલાદરા, વડોદરામાં 500 બેડની હોસ્પિટલ અને તબીબી કેન્દ્રની સ્થાપના કરી છે. જ્યાં આઇસીયુ સુવિધાઓ, ઓક્સિજન, તબીબી સ્ટાફ, ભોજન અને સ્વયંસેવકો, વૃદ્ધો અને નિર્બળ લોકો માટે રહેવાની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત, બેડીંગ, કિચન યુનિટ, પાણી પુરવઠો, વીજળી, પંખા, એર કંડીશન મશીન, મોબાઇલ શૌચાલય અને બાથરૂમ, પાર્કિંગ સુવિધાઓ જેવા તમામ બિન-તબીબી માળખાં ઉપલબ્ધ કરાયા છે.

ભારતમાં મંદિરોના નેટવર્ક દ્વારા, કોવિડ રોગચાળા દરમિયાન જરૂરી રાહત કાર્ય, ખોરાકની જોગવાઈઓ અને તબીબી પુરવઠો પૂરા પાડવામાં આવી રહ્યો છે. નીસ્ડન ટેમ્પલ દ્વારા પણ ‘કનેક્ટ એન્ડ કેર’ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત યુકેમાં સ્થાનિક સમુદાયોના સંવેદનશીલ લોકોને ટેકો આપવાનું ચાલુ છે.