ભારતમાં કોરોના વાઇરસના નવા 343,144 કેસ સાથે કુલ કેસનો આંકડો શુક્રવારે 24 મિલિયનને વટાવી ગયો હતો અને સતત ત્રીજા દિવસે આશરે 4,000 લોકોના મોત થયા હતા. દેશમાં ગયા સપ્તાહે એક દિવસમાં કોરોનાના 414,188 નવા કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લાં 22 દિવસથી કોરોનાના દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા હોવાથી હેલ્થકેર સિસ્ટમ પર પ્રચંડ દબાણ છે.
દેશમાં કોરોનાથી અત્યાર સુધી 262,317 લોકોના મોત થયા છે. જોકે ઘણી જગ્યાએ ટેસ્ટિંગના અભાવથી આ સત્તાવાર આંકડામાં ઘણા નવા કેસ અને મોતનો સમાવેશ થઈ શકતો નથી. નિષ્ણાતો જણાવે છે કે વાસ્તવિક આંકડો પાચથી દસ ગણો વધુ હોઇ શકે છે.
યુનિવર્સિટી ઓફ મિશિગનના એપિડેમિયોલોજીના પ્રોફેસર બી મુખરજીએ જણાવ્યું હતું કે મોટા ભાગના મોડલમાં આ સપ્તાહે પીકની આગાહી કરવામાં આવી હતી અને દેશમાં આવા સંકેત દેખાઈ રહ્યાં છે.
ભારતમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. ભારત વેક્સીનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ હાલમાં સ્ટોકનો અભાવ છે. ગુરુવાર સુધીમાં દેશમાં માત્ર 38.2 મિલિયન લોકો અથવા કુલ વસતિના માત્ર 2.8 ટકા લોકોને વેક્સીનને બે ડોઝ આપવામાં આવેલા હતા.
શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 3,43,144 નવા કેસ નોંધાયો હતા. જેની સામે ફરી એકવાર સાજા થયેલા દર્દીઓનો આંકડો મોટો રહ્યો છે, 24 કલાકમાં વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,44,776 નોંધાઈ હતી. જ્યારે વધુ 4,000 દર્દીઓએ એક દિવસમાં કોરોના સામે જીવ ગુમાવ્યો છે.
ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,40,46,809 થઈ ગઈ છે, જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 2 કરોડને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં 2,00,79,599 દર્દીઓ સાજા થઈ ગયા છે, જેની કુલ કેસની સામે ટકાવારી 83.50% થાય છે. જ્યારે વધુ 4,000 દર્દીઓના એક દિવસમાં કોરોના સામે મોત થતા મૃત્યુઆંક વધીને 2,62,317 થઈ ગયો છે. કુલ કેસ સામે ફેટલિટી રેટ 1.09% નોંધાયો છે. અત્યારે સુધીમાં સૌથી વધુ મંગળવારે એક જ દિવસમાં કોરોનાના 4,205 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.