કોરોના મહામારીથી વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડ્યો હોવા છતાં ભારતને 2020ના વર્ષમાં આશરે 83 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીમાં માત્ર 0.2 ટકા ઓછું છે, એમ વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે.

વર્લ્ડ બેન્કે બુધવારે જારી આંકડાઓ મુજબ 2020માં ચીનમાં 59.5 બિલિયન ડોલરનું રેમિટન્સ આવ્યું હતું. આની સામે વર્ષ 2019માં આ રકમ 68.3 બિલિયન ડોલર હતી

રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતની માટે રેમિટન્સમાં 2020 દરમિયાન માત્ર 0.2 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેનું કારણે યુનાઇટેડ આરબ અમિરાતમાંથી રેમિટન્સમાં થયેલો 17 ટકાનો ઘટાડો છે. જોકે અમેરિકાથી ભારતને ઊંચુ રેમિટન્સ મળતા આ ઘટાડો સરભર થયો હતો.

સૌથી વધુ રેમિટન્સ મેળવતા દેશોમાં ભારત અને ચીન બાદ મેક્સિકો 42.8 બિલિયન ડોલર, ફિલિપાઇન્સ 34.9 બિલિયન ડોલર, ઇજિપ્ત 29.6 બિલિયન ડોલર, પાકિસ્તાન 26 બિલિયન ડોલર, ફ્રાંસ 24.4 બિલિયન ડોલર અને બાંગ્લાદેશ 21 બિલિયન ડોલર રેમિટન્સ મેળવ્યું હતું.

ભારતના પડોસી દેશ પાકિસ્તાનમાં 2020 દરમિયાન રેમિટન્સ 17 ટકા વધ્યું હતું, જેમાં સૌથી વધારે યોગદાન સાઉદી અરેબિયાનું હતું. તે ઉપરાંત યુનાઇટેડ આરબ અમિરાત અને યુરોપિયન યુનિયનના દેશોમાંથી પણ રેમિટન્સમાં વધારો થયો હતા. વર્ષ 2020માં બાંગ્લાદેશમાં રેમિટન્સ 18.4 ટકા અને શ્રીલંકામાં 5.8 ટકા વધ્યું હતું.