મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર હોવાથી ફિલ્મો અને ટીવી સીરિયલ્સના શૂટિંગ અટકી ગયા છે. આથી નિર્માતાઓ શૂટિંગ પૂર્ણ કરવા અન્ય રાજ્યોમાં નજર દોડાવી રહ્યા છે. કોરોના પર કાબૂ મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે લગાવેલા લોકડાઉનના કારણે મોટાભાગનું કામકાજ બંધ થઇ ગયું છે. ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર્સ માટે શૂટિંગ કરવા ગોવા એક વિકલ્પ હતો પરંતુ ત્યાં પણ લોકડાઉન હોવાથી કામ મુશ્કેલ બન્યું છે.
આ સંજોગોમાં હવે લોકપ્રિય ટીવી સિરિયલ અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ..નું શૂટિંગ ગુજરાતમાં કરવાનું નિર્માતા વિચારી રહ્યા હોવાનું કહેવાય છે કે, કારણ કે, ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવું લોકડાઉન નથી. ગત વર્ષે તો લોકડાઉનના કારણે શૂટિંગ રોકાયું હતું પણ આ વખતે પ્રોડ્યુસર્સ શૂટિંગ રોકવાના મૂડમાં નથી. ગુજરાતમાં શૂટિંગ કરવા માટે જરૂર પડે તો સ્ક્રિપ્ટમાં પણ એ પ્રમાણે થોડો ફેરફાર કરવામાં આવશે. પરંતુ ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર હોવાના કારણે નિર્માતાઓ માટે શૂટિંગની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહેશે તેવા સંજોગો છે. અનુપમા…ના કેટલાક સભ્યોને પણ તાજેતરમાં કોરોના થયો હતો. જેમાં અનુપમાનું પાત્ર ભજવનાર અભિનેત્રીનો પણ સમાવેશ થયો હતો. જોકે એ પછી તેનુ શૂટિંગ આગળ ચાલી રહ્યું છે.