અમદાવાદના બુધવારે બપોરે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા પાસે 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સત્તાવાર અહેવાલ મળ્યા ન હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વાવાઝોડાને પગલે છેલ્લાં બે દિવસથી ભારે પવન સાથે આવેલા વરસાદને પગલે આ પાંચ માળની ઈમારત નમી ગઈ હતી. તેનાથી બિલ્ડિંગના રહિશો દોડીને બહાર આવી ગયા હતા. થોડા સમય બાદ પાંચ માળની આ બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ઈમારત ધરાશયી થતા ચારેતરફ નાસભાગ સર્જાઈ હતી. સ્થાનિકો લોકોએ જણાવ્યું હતું કે બિલ્ડીંગ ધરાશાયી થઈ ત્યારે કોઈ ઈમારતમાં હાજર ન હતું. બિલ્ડીંગ હલતી હતી ત્યારે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે આ મામલે વીડિયો વાઈરલ થયો હતો. ઘટનાને જાણ થતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયરબ્રિગેડ દ્વારા પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.