ચીનના ગાંસુ પ્રાંતમાં 100 કિલોમીટરની ક્રોસ કન્ટ્રી માઉન્ટેન મેરેથોન સ્પર્ધા દરમિયાન ખરાબ હવામાનને કારણે 21 દોડવીરના મોત થયા હતા, એમ સ્ટેટ મીડિયાએ રવિવારે જણાવ્યું હતું.
ચીન સરકારની બ્રોડકાસ્ટર CCTVના અહેવાલ અનુસાર ગાંસુ પ્રાંતમાં યેલો રિવર સ્ટોન ફોરેસ્ટમાં મેરેથોનમાં દોડી રહેલા લોકોને ઠંઠા પવન અને બરફ સાથેના વરસાદનો સામનો કરવો પડ્યો હતો. પર્વતીય વિસ્તારમાં યોજાયેલી મેરેથોનમાં 172 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જોકે ખરાબ હવામાનના કારણે સ્પર્ધકોના રસ્તામાં મોત થયા હતા. આઠ દોડવીરો ઘાયલ પણ થયા હતા.
શનિવારે બપોરે અચાનક જ મેરેથોનના રુટ પર બરફ સાથે વરસાદ અને ઝડપી પવન ફૂંકાયો હતો. જેના પગલે તાપમાનનો પારો અચાનક ઘટી ગયો હતો. આમ સ્પર્ધકો માટે તકલીફ ઉભી થઈ હતી. કેટલાક સ્પર્ધકો લાપતા હોવાની ખબર પડ્યા બાદ મેરેથોનને રોકી લેવામાં આવી હતી.