પશ્ચિમ બંગાળામાં 21 મે 2021ના રોજ સાઉથ-24 પરગણા જિલ્લાના ડેબિપુર ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. REUTERS/Rupak De Chowdhuri

ભારતમાં સોમવારે કોરોનાના વાઇરસના નવા 2.22 લાખ કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 38 દિવસમાં સૌથી ઓછા છે, પરંતુ પરંતુ 4,454ના મોત સાથે કુલ મૃત્યુઆંક ત્રણ લાખને વટાવી ગયો હતો. દુનિયામાં કોરોનાથી સૌથી વધુ મોતની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમે છે. 6 લાખથી વધુ મોત સાથે અમેરિકા પહેલા અને 4.5 લાખ મોત સાથે બ્રાઝિલ બીજા નંબરે છે. ભારતમાં બીજી લહેર દરમિયાન કોરોનાના કુલ મૃત્યુમાંથી અડધા જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, 15 ફેબ્રુઆરી પછીથી ભારતમાં કોરોનાના લીધે 1.48 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

માત્ર મે મહિનાના 23 દિવસોમાં ભારતમાં કોરોનાના લીધે 92,000 કરતા વધુ દર્દીઓના જીવ ગયા છે. જે એપ્રિલ મહિના કરતા લગભગ બમણા થાય છે, એપ્રિલમાં 48,768 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. કેટલાક નિષ્ણાતો માને છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના લીધે થયેલા તમામ મૃત્યુના આંકડા નોંધાયા નથી. શહેરોમાં કોવિડ-પ્રોટોકોલ સાથેના અગ્નિદાહની સંખ્યામાં વિસંગતતાઓ તરફ ઈશારો કરે છે. 7 મેના રોજ ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 4,14,188 નવા કેસ નોંધાયા હતાં. 19 મેના રોજ દેશમાં સૌથી વધુ 4,529ના મોત થયા હતાં.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના લીધે 4,454 લોકોનો મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,03,720 થયો હતો, જ્યારે કોરોનાના નવા 2,22,315 કેસ સાથે કુલ આંકડો વધીને 2,67,52,447 (26.75 મિલિયન)થયો હતો. રવિવારે 2,40,842 નવા કેસ નોંધાયા હતા, જ્યારે શનિવારે 2,76,070 કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 3,02,544 લોકો રિકવર થયા હતા અને તેનાથી કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 2,37,28,011 થઈ હતી.

દેશમાં એક્ટિવ કેસ ઘટીને 27,20,716 થયા હતા. સોમવાર સવાર સુધીમાં મહારાષ્ટ્રને પાછળ છોડીને આગળ નીકળી ગયેલા કર્ણાટકામાં સૌથી વધુ 4,73,007 એક્ટિવ કેસ હતા, જ્યારે મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 3,51,005 હતી. આ પછી કેરળનો નંબર આવે છે કે જ્યાં 2,77,973 એક્ટિવ કેસ હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 16 જાન્યુઆરીએ શરુ થયેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં દેશમાં કુલ 19,60,51,962 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં દૈનિક કોરોના પોઝિટિવિટી રેટ ઘટીને 11.34% પર પહોંચ્યો છે. જ્યારે રિકવરી રેટ વધીને 88.30% થયો છે. જ્યારે કોરોના કુલ કેસ સામે મૃત્યુ પામેલા દર્દીઓની ટકાવારી 1.13% થાય છે. ભારતના કુલ કોરોનાના એક્ટિવ કેસમાંથી 66.88% એક્ટિવ કેસ સાત રાજ્યોમાં છે, જેમાં કર્ણાટકા, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.