અમેરિકાની કોર્ટે ટેલિમાર્કેટિંગ ફ્રોડ સ્કીમના કેસમાં એક ભારતીય નાગરિકને ગુરુવારે ત્રણ વર્ષની જેલ સજા કરી હતી. દિલ્હીના 34 વર્ષીય હિમાંશુ આસરીએ ટેલિમાર્કેટિંગ ફ્રોડ સ્કીમમાં અમેરિકાના નાગરિકો અને ખાસ કરીને સિનિયર સિટિઝન સાથે છેતરપિંડી કરી હતી, એમ ન્યાય વિભાગે જણાવ્યું હતું.
અમેરિકાના કાર્યકારી એટર્ની રિચાર્ડ મૈરુસે જણાવ્યું હતું કે 36 મહિનાની જેલસજા બાદ ત્રણ વર્ષનો સુપરવિઝનનો સમયગાળો ચાલુ થશે. જેલસજા પૂરી થયા બાદ આસરી સામે દેશનિકાલની કાર્યવાહી ચાલુ થઈ શકે છે. ગયા ડિસેમ્બરે ગુનો કબૂલતા આસરીએ જણાવ્યું હતું કે 2020ના પ્રારંભમાં ધરપકડ અગાઉના ઓછામાં ઓછા પાંચ વર્ષ તેઓ ભારતમાં એક કોલ સેન્ટર ધરાવતા હતા. તેઓ કોલ સેન્ટર મારફત કમ્પ્યૂટર યુઝર્સને સંદેશ મોકલતા હતા કે તેમના કમ્પ્યૂટરમાં વાઇરસનો હુમલો થયો છે.
ફેડરલ પ્રોસેક્યુટરે આરોપ મૂક્યો હતો કે આસરી કમ્પ્યૂટર યુઝર્સની સ્ક્રીન પર પોપ-અપ એડવર્ટાઇઝમેન્ટ આપતા હતા. જેમાં કહેવામાં આવતું હતું કે તેમાં વાઇરસ છે. આની સાથે વાઇરસને દૂર કરવા માટે એક ટેલિફોન નંબર આપતા હતા. યુઝર ફોન કરે એટલે ખૂબ જ ઊંચા ભાવે બનાવટી કમ્પ્યૂટર પ્રોટેક્શન સર્વિસ ઓફર કરાતી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ કૌભાંડનો ભોગ બનેલા લોકોએ સરેરાશ 482 ડોલર ચુકવ્યા હતા. ઘણા યુઝર્સે 1,000 ડોલર સુધી પણ ચુકવ્યા હતા, પરંતુ કમ્પ્યૂટર પ્રોટેક્શન સર્વિસ મળી ન હતી.
ન્યાયવિભાગના જણાવ્યા અનુસાર આશરે 6,500 લોકોએ પોપ-અપ એડ જોઇ હતી અને 1,950 લોકો કૌભાંડના શિકાર બન્યા હતા. આસરી અને તેના સાગરિતોએ આ લોકો સાથે 940,995.74 ડોલરની છેતરપિંડી કરી હતી.