કોરોના મહામારીના ઉદભવસ્થાનની WHO મારફત સર્વગ્રાહી તપાસ કરવાની વૈશ્વિક માગણીને ભારતે શુક્રવારે સમર્થન આપ્યું હતું. થોડા દિવસે પહેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેનને ચીનમાં કોરોના વાઇરસ કેવી રીતે ફેલાયો તેની તપાસ કરવા અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓને આદેશ આપ્યો હતો. અમેરિકાના પ્રેસિડન્ટે 90 દિવસમાં રિપોર્ટ આપવાની પણ તાકીદ કરી હતી.

કોવિડ-19નો સૌથી પહેલો કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો. ચીન સરકારે શરૂઆતના કોરોનાનો વાઇરસ વુહાનની એક સી ફૂડ માર્કેટમાંથી મળ્યો હોવાનું જણાવ્યું હતું.. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં પહોંચ્યો છે.

આ વાઇરસ ચીનના વુહાન શહેરમાં પ્રાણીઓમાંથી ફેલાયો કે લેબોરેટરીમાંથી ફેલાયો તેની તપાસ કરવાની અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના સંખ્યાબંધ દેશો માગણી કરી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે ડબલ્યુટીઓની આગેવાની હેઠળ કોરોનાના ઉદભવસ્થાન અંગેની વૈશ્વિક તપાસ એક મહત્ત્વનું પ્રથમ પગલું છે. વિશ્વસનીય તારણ માટે વધુ ડેટા અને અભ્યાસની જરૂર છે.