ભારતીય અમેરિકન કમલા હેરિસ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ ચૂંટાયા પછી ભારતીયોની અને ખાસ તો અમેરિકન ભારતીયોની તેમની પાસેથી અમેરિકાની સરકારના ભારત પ્રત્યેના સકારાત્મક વલણ અંગેની અપેક્ષાઓ ખૂબજ વધી ગઈ છે. અને તેમાં પણ એપ્રિલ મહિનામાં ભારત કોરોના વાઈરસના રોગચાળાના બીજા મોજામાં બહુ ખરાબ રીતે સપડાયું ત્યારે તો એ અપેક્ષાઓ ગગનચૂંબી બની ગઈ હતી. ઘણા લોકોને એવું પણ લાગ્યું કે તેઓ ઘણી સત્તા ધરાવતા પદે બિરાજમાન છે, પણ ભારત માટે ખાસ કઈં કરવાની તેમની બહુ ઈચ્છા દેખાતી નથી.
જો કે, હવે ધીમે ધીમે મોટા ભાગના લોકોને સમજાઈ રહ્યું છે કે, અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટપદે હોવા છતાં કમલા હેરિસની પણ કોઈ મર્યાદા હોઈ શકે છે. અને તે ઉપરાંત ખુદ પ્રેસિડેન્ટ બાઈડેન ભારતના મહત્ત્વના કારણે ભારત સંબંધી બાબતોમાં મોખરે રહેતા હોય ત્યારે કમલા હેરિસ જે કઈં પણ પ્રયાસો કરતા હોય તે તમામ વિષે પણ તેઓ બહુ પ્રચાર કરી પોતાની ભૂમિકા બતાવી શકે નહીં, તેઓ પોતે પણ પ્રમાણમાં કામ કરવામાં માને છે, બહુ દેખાડો કરવામાં નહીં.
કમલા હેરિસ પ્રત્યે એપ્રિલમાં શરૂઆતના થોડા દિવસો થોડો અસંતોષ જાગ્યો હતો, પણ પછી ધીમે ધીમે તે શમી રહ્યો છે. અસંતોષનું કારણ એ છે કે, ભારતની સ્થિતિ અને ભારતને સહાય વિષે કમલા હેરિસ પોતે જાહેરમાં બહુ બોલ્યા નથી. ભારત માટે વિશ્નના અનેક દેશો અને ત્યાં વસતા ભારતીયો દ્વારા ઓક્સિજન પ્લાન્ટ્સથી લઈને કોન્સન્ટ્રેટર્સ, સીલિન્ડર્સ, ઓક્સિજન પ્લાન્ટ્સ વગેરે સાધનો તેમજ નાણાંકિય સહાયની જાહેરાત કરાતી હતી ત્યારે કમલા હેરિસ પાસેથી પણ બહુ મોટી ભૂમિકાની અપેક્ષાઓ હતી. તો કમલાએ પોતે પોતાની બ્લેક તરીકેની ઓળખ અપનાવવામાં સ્હેજે છોછ નહીં દર્શાવ્યો હોવાના કારણે પણ કેટલાક ઈન્ડિયન અમેરિકન્સ નારાજ થયા હોય તેવી શક્યતા છે.
તેમના ટીકાકારોએ એવું કહ્યું હતું કે, કમલા હેરિસ ભારતની નાજુક સ્થિતિ વધુ પ્રભાવશાળી રીતે રજૂ કરી શક્યા હોત. જો કે તેઓએ પાછળથી કબૂલ્યું હતું કે, બાઈડેન વહિવટીતંત્ર દ્વારા ભારતને મોટા પાયે સહાય કરવામાં આવી છે. પણ તેમની પાસેથી ઉંચી અપેક્ષાઓની પશ્ચાદભૂમિકા એ હકિકતમાં સમાયેલી છે કે, તાજેતરના પ્યુ રીસર્ચના એક અહેવાલ મુજબ અમેરિકામાં વસતા ઈન્ડિયન અમેરિકન્સમાંથી 78 ટકા લોકોએ બાઈડેન – કમલા હેરિસને વોટ આપવાનું નક્કી કર્યું હતું, ફક્ત 22 ટકાએ ટ્રમ્પની તરફેણમાં વિચાર કર્યો હતો. અહીં ભારતીય અમેરિકન સમુદાયનું સંખ્યાબળ પણ બે દાયકા પહેલા બે મિલિયન (20 લાખ) હતું તે વધીને આજે 4.5 મિલિયનથી (45 લાખ) વધુનું થયું છે. આમાંથી અડધાથી વધુ લોકો દસ વર્ષ કરતાં વધુ સમયથી અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે.
વ્હાઈટ હાઉસના અંદરના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતને સહાય મુદ્દે અમેરિકી સરકારની આંતરિક ચર્ચાઓમાં કમલા હેરિસે મહત્ત્વની ભૂમિકા ભજવી જ છે. જો કે, ડેમોક્રેટિક પાર્ટીના જ બીજા સાંસદો – રો ખન્ના, પ્રેમિલા જયપાલ અને અમી બેરાએ વધુ રજૂઆતો કરીને કમલા હેરિસની સ્થિતિ નાજુક બનાવી હતી.ચોથા ડેમોક્રેટિક સાંસદ રાજા ક્રિષ્નમૂર્તિએ એવું કહ્યું હતું કે, પોતે એ બાબતે વાકેફ છે કે કમલા હેરિસ પોતાના ભારતીય વારસા અને ભારતીય મૂળ વિષે ખૂબજ ગૌરવની લાગણી ધરાવે છે. તેઓ ભારતને વધુમાં વધુ સહાય મળે તે માટે પણ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.