અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં રહેતા ભારતીય પરિવારે પ્રામાણિકતાનું મોટું ઉદાહરણ પૂરૂં પાડયું છે. આ પરિવારે એક સ્થાનિક મહિલાને તેની લોટરી ટિકિટ પરત આપી હતી. આ મહિલાએ આ ટિકિટ બેકાર સમજીને ફેંકી દીધી હતી. આ ટિકિટને કારણે જ આ મહિલા 10 લાખ ડોલર જીતી ગઇ હતી.

ભારતીય પરિવારની પ્રામાણિકતાની સમગ્ર અમેરિકામાં ખૂબ જ પ્રશંસા થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકન મહિના લી રોઝ ફિએગાએ લકી સ્ટોપ નામની દુકાનમાંથી લોટરીની એક ટિકિટ ખરીદી હતી. આ દુકાન સાઉથવિક વિસ્તારમાં રહેતા ભારતીય પરિવારની છે. અમેરિકન મહિલા નિયમિત રીતે આ દુકાનમાંથી ટિકિટ ખરીદતી હતી. ફિએગાના જણાવ્યા અનુસાર મારો લંચ બ્રેક હતો અને હું ઉતાવળમાં હતી. મેં ઉતાવળમાં મારી ટીકિટનો નંબર બરાબર રીતે ઘસ્યો ન હતો અને મને લાગ્યું કે મારી લોટરી લાગી નથી. જેના કારણે મેં ભારતીય દુકાનવાળાને આ ટિકિટ ફેંકી દેવા જણાવ્યું હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ ટિકિટ બેકાર ટિકિટોની સાથે દસ દિવસ સુધી પડી રહી હતી. ત્યારબાદ દુકાનના માલિક અભિ શાહની નજર આ ટિકિટ પર પડી હતી.

અભિ શાહના જણાવ્યા અનુસાર આ ટિકિટ મારી માતા અરૂણા શાહે એક અમેરિકન મહિલાને વેચી હતી. આ અમેરિકન મહિલા અમારી નિયમિત ગ્રાહક હતી. અભિ શાહે વધુમાં જણાવ્યું હતું કે મેં જ્યારે આ ટિકિટ જોઇ તો તેનો નંબર બરાબર રીતે ઘસવામાં આવ્યો ન હતો. મેં આ નંબર બરાબર રીતે ઘસતા મને જાણ થઇ હતી કે તે ટિકિટને દસ લાખ ડોલરનું ઇનામ લાગ્યું હતું. શાહે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં મને આ ટિકિટના નાણાંથી કાર ખરીદવાનો વિચાર આવ્યો. જો કે મારા પરિવારે અંતે આ ટિકિટ તે મહિલાને પરત કરવાનો નિર્ણય લીધો હતો. ટિકિટ પરત આપવાનો નિર્ણય સરળ ન હતો અમે બે રાત ઉંઘી શક્યા ન હતાં.