1997 પછી સર્વિસિસના ક્ષેત્રમાં સૌથી ઝડપી માસિક વૃદ્ધિ અને ફર્લો પર ગયેલા કામદારોની સંખ્યામાં ઘટાડાએ સંકેત આપ્યો છે કે યુકેના તમામ ચાર દેશોમાં લોકડાઉન પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા બાદ મે મહિનામાં યુકેમાં આર્થિક તેજી દેખાઇ હતી.
યુ.એસ.માં પણ બેરોજગારીના દાવાઓમાં ભારે ઘટાડો અને સમગ્ર યુરોપમાં તેજીમાં ગતિ દર્શાવતા નવા ડેટા મળ્યા છે. જે સંકેત આપે છે કે વિકસિત વિશ્વમાં કોવિડ-19 રસીકરણ કાર્યક્રમો આર્થિક પ્રવૃત્તિમાં ઉછાળો લાવવામાં મદદ કરી રહ્યા છે. જો કે અમૂક નિષ્ણાંતોને હજૂ પણ શંકા છે કે અર્થતંત્ર વધુ ગરમ થશે કે નવા કોવિડ વેરિયન્ટ વધુ આર્થિક મંદી લાવશે. બીજી તરફ વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો અને સરકારો ઝડપથી બદલાતા બેકડ્રોપ પર કેવો પ્રતિસાદ આપશે તેની રાહ જોવાઇ રહી છે.
સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓ પર નજર રાખતા અને યુકેના લગભગ 80% નેશનલ આઉટપુટ માટે જવાબદાર આઇએચએસ માર્કિટ / સીઆઈપીએસ પરચેસીંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં મે મહિનામાં 1.9નો વધારો નોંધાયો હતો. એપ્રિલમાં તે દર 61.0 હતો અને મે માસમાં વધીને તે દર 62.9 થયો હતો. 50થી ઉપરનો દર તે ક્ષેત્રનો વિસ્તાર થઈ રહ્યો છે તેમ સૂચવે છે.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ દર્શાવે છે કે ત્રીજા નેશનલ લોકડાઉન બાદ મે માસની મધ્યમાં ફર્લો પર ગયેલા કામદારોની સંખ્યા ઘટીને 2.1 મિલિયન થઈ ગઈ છે જે જાન્યુઆરીમાં આશરે 5.1 મિલિયન હતી.