(Photo by MANJUNATH KIRAN/AFP via Getty Images)

ભારતના પોસ્ટ વિભાગે કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના પરિવારજનો માટે એક નવી પહેલ કરી છે. ઓમ દિવ્ય દર્શન સંસ્થાના સહયોગથી પોસ્ટ વિભાગે શરૂ કરેલી પહેલ અંતર્ગત મૃતક વ્યક્તિના અસ્થિ સ્પીડ પોસ્ટ દ્વારા વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ગયા મોકલી શકાશે. ત્યાં સંસ્થાના પ્રતિનિધિઓ વિધિવત અસ્થિ વિસર્જન સહિત શ્રાદ્ધ વગેરે કર્મકાંડ કરાવી આપશે.

કોરોના સંક્રમણ દરમિયાન અનેક લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને વિધિવત રીતે તેમના અંતિમ સંસ્કાર પણ નથી થઈ શક્યા. સનાતન ધર્મમાં પવિત્ર નદીઓમાં અસ્થિ વિસર્જનની પરંપરા છે. તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી પહેલ અંતર્ગત દેશના કોઈ પણ ખૂણેથી પોસ્ટ ઓફિસ દ્વારા સ્પીડ પોસ્ટના માધ્યમથી અસ્થિ ઉક્ત જગ્યાઓએ મોકલી શકાશે. આ સુવિધા મેળવવા માટે ઈચ્છુક વ્યક્તિએ ઓમ દિવ્ય દર્શન સંસ્થાના પોર્ટલ htpp://omdivyadarshan.org પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.