)

યુકેમાં અભ્યાસ પછીના નવા વર્ક (પીએસડબ્લ્યુ) વીઝાનો લાભ મેળવવા હકદાર વિદ્યાર્થીઓ માટે યુકેમાં પ્રવેશવાની સમયમર્યાદામાં સરકારે ગયા સપ્તાહે ફરી વધારો કરતાં ભારતીય સહિતના વિદેશી વિદ્યાર્થીઓને ફાયદો થશે. છેલ્લા એક વર્ષ દરમિયાન યુકેમાં અભ્યાસ માટે જતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો સંખ્યાના આધારે સૌથી મોટા જૂથમાંના એક છે.

સામાન્ય રીતે પીએસડબ્લ્યુ વીઝા તરીકે ઓળખાતા ગ્રેજ્યુએટ રૂટ વીઝામાં વિદેશી વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પુરો થયા પછી યુકેમાં જોબ માટે કે જોબના પ્રયાસો કરવા માટે વધુ બે વર્ષ રહેવાની મંજુરી મળે છે. યુકેના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે ગયા વર્ષે આ નવા નિયમો જાહેર કર્યા હતા અને હાલમાં કોરોના વાઈરસના રોગચાળાના કારણે લોંગ ડિસ્ટન્સ કોર્સ થકી અભ્યાસ કરી રહેલા કે કરી ચૂકેલા વિદ્યાર્થીઓને તેમની વીઝા અરજીની આવશ્યકતાઓ મુજબ ગ્રેજ્યુએટ રૂટ વીઝાની યોગ્યતા માટે 21મી જુન સુધીમાં યુકેમાં પ્રવેશી જવું જરૂરી હતું. જો કે, આ સમયમર્યાદામાં ગયા સપ્તાહે વધારો કરી હોમ ઓફિસે તે 27 સપ્ટેબર, 2021 સુધી લંબાવી છે.

જે અરજદારોએ ઓટમ 2020માં પોતાનો અભ્યાસ શરૂ કર્યો હતો, તેઓને હવે યુકેમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશવાની મંજુરી 27 સપ્ટેમ્બર સુધી મળી શકે અને આ સુધારેલી સમયમર્યાદા અનુસાર પ્રવેશનારા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ રૂટ માટે અરજી કરવા પાત્ર ગણાશે, એમ હોમ ઓફિસના અપડેટ કરેલા ગાઈડન્સમાં જણાવાયું છે.

નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ તથા એલ્મની યુનિયન યુકે સહિતના વિદ્યાર્થીઓના પ્રતિનિધિ જૂથોએ આ સમયમર્યાદા વધારવા માટે માંગણી કરી હતી. ભારતમાં કોરોના વાઈરસના બીજા મોજાના પગલે તેમજ યુકેમાં પણ ડેલ્ટા વેરિયન્ટના વ્યાપક ફેલાવાના પગલે યુકે દ્વારા 23 એપ્રિલથી પ્રવાસ પ્રતિબંધોની યાદીમાં ઈન્ડિયાને રેડ લિસ્ટમાં મુકાયું હતું. યુકેમાં યોગ્ય સ્ટુડન્ટ વીઝા ધરાવતા લોકોને આ ગાળામાં પણ યુકે આવવા મંજુરી હતી, પણ તે સંજોગોમાં ખાસ કરીને યુકે આવ્યા પછી ફરજિયાતપણે સરકારે નક્કી કરેલી હોટેલમાં 10 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાના નિયમ અને એ માટેના અંદાજિત 1750 પાઉન્ડના ખર્ચના કારણે તેમજ અન્ય કારણોસર અનેક લોકોને યુકે આવવાનું પાછું ઠેલવાની ફરજ પડી હતી.

હવે પછી યુકે આવનારા વિદ્યાર્થીઓ પોતાના આગમન પછી લોકલ ડોક્ટર પાસે રજીસ્ટ્રેશન કરાવે તો તેઓ અહીં યુકેમાં કોવિડ-19 વેક્સિન પણ લઈ શકશે.