પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ધ યુરોપિયન પેટન્ટ ઓફિસે ઇન્ડિયન અમેરિકન કેમિસ્ટ સુમિતા મિત્રાનું ‘નોન-ઇપીઓ કન્ટ્રીઝ’ કેટેગરીમાં યુરોપિયન ઇન્વેન્ટર એવોર્ડ 2021થી સન્માન કર્યું છે.

મિત્રાનું નામ ગત મહિને એવોર્ડના દાવેદારોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યું હતું. તેમને આ એવોર્ડ ડેન્ટલ મટીરિઅલ્સમાં નેનોટેકનોલોજીના સફળ ઉપયોગ બદલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે સંશોધન કરેલી આ ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વભરના ડેન્ટિસ્ટ્સ દ્વારા કરવામાં આવે છે.

ઇપીઓના પ્રેસિડેન્ટ એન્ટોનિઓ કેમ્પિનોસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુમિતા મિત્રાએ તેમનાં ક્ષેત્રમાં એક નવો ચીલો ચાતર્યો છે, અને તેનો ઉપયોગ કરીને એ દર્શાવ્યું છે કે, ટેકનોલોજી ક્ષેત્રનું સંશોધન જે પેટન્ટ્સથી સુરક્ષિત છે તે કેટલું પરિવર્તન લાવી શકે છે, અને આ કેસથી દાંતના લાખ્ખો દર્દીઓને ફાયદો થયો છે. તેમનું સંશોધન છેલ્લા 20 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે, તેઓ વૈજ્ઞાનિકોની આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે.’

ધ 2021 યુરોપિયન ઇન્વેન્ટર એવોર્ડ સમારંભનું ડિજિટલ માધ્યમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં જોડાવા વિશ્વભરના લોકોને પ્રથમવાર મંજૂરી આપવામાં આવી હતી.

યુરોપના સૌથી પ્રતિષ્ઠિત ઇન્નોવેશન ઇનામોમાં આ એવોર્ડનો સમાવેશ થાય છે અને સમાજ, ટેકનોલોજિકલ પ્રગતિ અને આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારને દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. વિજેતાઓને જુદી જુદી પાંચ કેટેગરી-ઉદ્યોગ, સંશોધન, એસએમઇ, નોન-ઇપીઓ દેશો અને લાઇફ ટાઇમ એચિવમેન્ટમાં એવોર્ડ આપવામાં આવે છે, જેની પસંદગી એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય જ્યૂરી દ્વારા કરવામાં આવે છે.

સુમિતા 2010માં 3Mમાંથી છૂટા થયા પછી તેમના પતિ દ્વારા સ્થાપિત મિત્રા કેમિકલ કનસલ્ટિંગ એલએલસી કંપનીમાં ભાગીદાર છે, જેમાં તેઓ કંપનીઓને નવી ટેકનોલોજીના વિકાસ, વસ્તુની ડિઝાઇન, વ્યવસાયિક વગેરે ક્ષેત્રમાં સલાહ આપે છે.