વિશ્વ યોગ દિને ભારતમાં કોરોના વેક્સિનેશનનો રેકોર્ડ બન્યો હતો. નવા વેક્સીનેશન પ્રોગ્રામના પ્રથમ દિવસે 21 જુલાઇ 2021ના રોજ દેશભરમાં કોરોના રસીનાં 86.16 લાખથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વેક્સિનેશન પ્રોગ્રામની જાહેરાત કર્યા બાદ કેન્દ્ર સરકારે રસીનાં ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ખુદ ખરીદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે 25 ટકા વેક્સિન ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદવામાં આવશે. નવા પ્રોગ્રામ હેઠળ આ રસીકરણ અભિયાનની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી પોતાના હાથમાં લઇ લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. અગાઉ એક દિવસમાં સૌથી વધુ લોકોએ વેક્સીન લેવાનો રેકોર્ડ 1 એપ્રિલે નોંધાયો હતો. ત્યારે એક દિવસમાં 48 લાખ લોકોએ કોરોનાની વેક્સીન લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે રેકોર્ડ બ્રેકિંગ વેક્સીનેશનના આંકડાથી ઘણો ખુશ છું. કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં વેક્સીન આપણા માટે સૌથી મજબૂત હથિયાર છે. જે લોકોએ વેક્સીન લીધી છે તે તમામ લોકોને અભિનંદન અને દેશમાં વધુમાં વધુ લોકોને વેક્સીન મળે તે સુનિશ્ચિત કરવા માટે આકરી મહેનત કરી રહેલા તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સને સલામ કરું છું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં ડિસેમ્બર સુધીમાં 950 મિલિયન લોકોના વેક્સિનેશન માટે દરરોજ 10 મિલિયન ડોઝ આપવાની જરૂર છે. દેશમાં અત્યાર સુધી પાંચ ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે