રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેની આશરે 15 બિલિયન ડોલરની ડીલના ભાગરૂપે સાઉદી અરામકોના ચેરમેન અને સાઉદી અરેબિયાના વેલ્થ ફંડ PIFના વડા યાસિર ઓથમન અલ રૂમાય્યન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ થશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે, 24 જૂને કંપનીની 44મી વાર્ષિક સામાન્ય સભામાં આ અંગેની જાહેરાત કરી હતી.
મુકેશ અંબાણીએ આ ઉપરાંત 5G નેટવર્કથી લઈને ગૂગલ અને જિયો દ્વારા જિયોફોન નેક્સ્ટ અને ક્લાઉડ બિઝનેસ અંગે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. વાર્ષિક સભામાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઓટુસી બિઝનેસો 20 ટકા હિસ્સો વેચવાની આ ડીલ આ વર્ષે પૂરી થવાની ધારણા છે. મહામારીના પડકારોએ હોવા છતાં અમે સાઉદી અરામકો સાથેની ચર્ચામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. હાર્વર્ડમાં ભણેલા 51 વર્ષ અલ રુમાય્યન રિલાયન્સના બોર્ડમાં 92 વર્ષીય યોગેન્દ્ર ત્રિવેદીનું સ્થાન લેશે.
અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની આ એક શરુઆત છે અને આવનારા સમયમાં કંપનીના વધુને વધુ આંતરરાષ્ટ્રીય પ્લાન અંગે લોકોને જાણવા મળશે. દેશના ટેલિકોમ સેક્ટરમાં હલચલ મચાવ્યા હવે રિલાયન્સ 5G નેટવર્ક માટે પણ તૈયારી કરી રહી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે કંપનીએ ગૂગલ ક્લાઉડ સાથે પાર્ટનરશીપ કરી છે, અને ગૂગલની ટેક્નોલોજી જિયોના 5Gને વધુ સક્ષમ બનાવશે.
રિલાયન્સે દેશમાં 5Gનું ટેસ્ટિંગ શરુ કરી દીધું છે અને તેમાં 16GBPS સુધીની ઈન્ટરનેટ સ્પીડ મેળવી શકાઈ હોવાનો પણ અંબાણીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જિયો દેશને 2G મુક્ત બનાવ્યા બાદ હવે, 5G યુક્ત બનાવશે. RILનું ડેટા સેન્ટર અને ટ્રાયલ સાઈટ નવી મુંબઈમાં ઈન્સ્ટોલ કરાયા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ગૂગલ સાથે ભાગીદારીમાં સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરશે
મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં જિઓ અને ગૂગલ દ્વારા નવો અને સસ્તો સ્માર્ટફોન જિઓ નેક્સ્ટ લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન જિઓ તેમજ ગૂગલના ફિચર સાથે સજ્જ હશે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ અને જિઓએ સંયુક્ત રીતે ડેવલપ કરેલી છે. આ સ્માર્ટફોન દરેક માણસના પરવડે તે રીતે બનાવવામાં આવ્યો છે. તેની કિંમત સાવ ઓછી હશે અને 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે ફોનને લોન્ચ કરવામાં આવશે.