દર સાતમાંથી એક એશિયન હજુ સંપૂર્ણ ‘સુરક્ષિત’ નથી

  • બાર્ની ચૌધરી

દર સાત એશિયનમાંથી એક એટલે કે 14 ટકા સાઉથ એશિયન્સ લોકોને હજુ કોરોનાની વેક્સીન મળી નથી, તેવો સરકારો ખુલાસો કર્યો છે. બ્લેક અને એશિયન સમુદાયને બીજો ડોઝ લેવા માટે સમજાવવાના સમુદાયની આગેવાની હેઠળ સામૂહિક પ્રયાસો થયા હોવા છતાં આવી સ્થિતિ છે.

વેક્સીન ડિપ્લોયમેન્ટ મિનિસ્ટર નાધિમ ઝહાવીએ બુધવાર 23 જૂનના રોજ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેની ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના તાજેતરના ડેટા પર નજર કરતાં જણાય છે કે ફેબ્રુઆરી પછીથી બ્લેક અને બ્લેક-બ્રિટિશ લોકોમાં વેક્સીન સામેના ખચકાટનું વલણ છેલ્લાં કેટલાંક મહિનામાં અડધું થયું છે. આ સમયગાળામાં એશિયન અને એશિયન-બ્રિટીશ લોકોમાં પણ આવા ખચકાટનું પ્રમાણ અડધું થયું છે. આ ખરેખર એક પ્રગતિ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે હજુ ઘણા પ્રયાસો કરવાની જરૂર છે.”

વેક્સીનેશનમાં વધારો

NHS ઇંગ્લેન્ડના પ્રાયમરી કેરના ડિરેક્ટર ડો. નિકિતા કાનાણીના જણાવ્યા અનુસાર માર્ચના મધ્યભાગથી જૂનના મધ્યભાગ વચ્ચે એશિયન સમુદાયમાં વેક્સીનન લેવાનું પ્રમાણ 75 ટકાથી વધીને 86 ટકા થયું હતું.

વેક્સીનેશન પ્રોગ્રામ ચાલુ થયાના છ મહિના પછી પણ સરકાર સાઉથ એશિયન સમુદાય સુધી પહોંચવામાં શા માટે નિષ્ફળ રહી છે તેવા ‘ગરવી ગુજરાત’ના પ્રશ્નનના જવાબમાં મિનિસ્ટરે જણાવ્યું હતું કે “અમે આ સમુદાયને સામેલ કરવા માટે ખરેખર સફળ થાય તેવી શ્રેષ્ઠ પ્રણાલીનું આદાનપ્રદાન કરીએ છીએ. બેથનલ ગ્રીન એન્ડ બોના એમપી રૂશનારા અલીએ ઇસ્ટ લંડનની મસ્જિદમાં બાંગ્લાદેશના સમુદાય માટે આવું જ કાર્ય કર્યું છે.’’

‘’આપણે વેક્સીનેશનમાં કેવી રીતે વધારો કરી શકીએ? મે મુલાકાત લીધી હતી કે મસ્જિદમાં સારી પ્રણાલી હતી, તો શું આપણે તેનું બ્લેક ચર્ચ અથવા કમ્યુનિટી સેન્ટર્સ અને બીજી જગ્યાએ પુનરાવર્તન કરી શકીએ?’’

‘’તેથી શું સફળ થાય છે તેમાંથી અમે બોધપાઠ લઈ રહ્યાં છીએ. લોકોને બુકિંગ કરવામાં મદદ કરતી ટીમ હોય કે પછી  વોક-ઇન ક્લિનિક્સની એડવર્ટાઇઝિંગ એમ વેક્સીનેશન માટે તમામ પ્રયાસો થઈ રહ્યાં છે. તમારી પાસે તમારો એનએચએસ નંબર ઉપલબ્ધ ન હોય તો પણ, તમે રસી મેળવી શકો છો.

‘’આ કામગીરી મુશ્કેલ છે, તે સરળ નથી. પરંતુ હું માનું છું કે હવેથી 19 જુલાઈ સુધી સફળ કાર્યપદ્ધતિનો ઉપયોગ કરીને વેક્સીનેશનમાં ખરેખર વધારો કરવો પડશે, જેથી આપણે શક્ય હોય તેટલા લોકોને બચાવી શકીએ. અમે ત્યાં નહીં અટકીયે. અમે એ સુનિશ્ચિત કરવા કાર્ય ચાલુ રાખીશું કે પ્રથમ ડોઝ લીધેલા તમામ લોકોને રસીનો બીજો ડોઝ મળે.’’

અનોખું પ્રભાવશાળી કાર્ય

ઇસ્ટર્ન આઇ અને તેનું સહયોગી વર્તમાનપત્ર ગરવી ગુજરાત મહામારીના અહેવાલો આપી રહ્યાં છે અને સાઉથ એશિયન્સ લોકો વેક્સીનની તક ઝડપી લે તેવો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે.

ડો. કાનાણીએ આ કાર્યને બિરદાવ્યું છે અને તેમની પોતાની વ્યક્તિગત કહાની સંભાળવી હતી.

NHS ઇંગ્લેન્ડના પ્રાયમરી કેરના ડિરેક્ટર ડો. નિકિતા કાનાણીએ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેની ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘’સૌ પ્રથમ હું ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાતનો આભાર માનું છું. મારા દાદાને ડિમન્શિયાની બિમારી છે અને મારા દાદીને સંભાળવાની તકલીફ છે. તેઓ માત્ર ગુજરાતી જ બોલી શકે છે અને આ મહામારીમાં હું તેમને સમય આપી શકી ન હતી. આવા સમયે અમને ગરવી ગુજરાતની મદદ મળી હતી અને તેમણે મારો ફોટો જોયો હતો. અને તેઓ વેક્સીન વિષે વાંચી શકવા સક્ષમ થયા હતા, આશા છે કે તે માહિતી લોકોમાં ફરક લાવે છે.’’

‘’તમારા જેવી સંસ્થાઓ દરેક ઘરમાં અને સમુદાય સુધી પહોંચવામાં મદદ કરે છે તથા લોકોને યાદ અપાવે છે કે માત્ર પ્રથમ જ નહીં, પરંતુ વેક્સીનનો બીજો ડોઝ પણ મહત્ત્વનો છે. અમે અટકશું નહીં. NHS દરેક સમુદાયને વેક્સીન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.’’

આપ પણ આ સમાચાર યુ-ટ્યુબ પર જોઇ શકો છો. https://youtu.be/jfYQcUnHanY