નોર્થ ઇંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરની બેટલી અને સ્પેનની પાર્લામેન્ટની પેટા-ચૂંટણીમાં હિંસાનો બનાવ બન્યા બાદ ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ છે ત્યારે વંશીય લઘુમતીના વોટ લેવા માટે લેબર પાર્ટીએ બોરીસ જોન્સન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાથ મિલાવતા હોય તેવી તસવીરનો ફ્લાયરમાં ઉપયોગ કરતા ભારતીયોમાં વ્યાપક વિરોઘ ઉભો થયો છે. વડા પ્રધાન જોન્સન પર “કાશ્મીરમાં માનવાધિકારના ભંગ અંગે મૌન” હોવાનો અને ઇસ્લામોફોબીક પક્ષનું નેતૃત્વ કરવાનો આક્ષેપ પણ પત્રિકામાં કરાયો હતો.
ટ્રેડ્સ યુનિયન કૉંગ્રેસ (ટીયુસી)એ તેના નામે છપાવાયેલી અન્ય નકલી પત્રિકાઓ અંગે કાનૂની સલાહ લીધી છે. કન્ઝર્વેટિવ્સ અને ભૂતપૂર્વ સાંસદ જ્યોર્જ ગેલોવે તરફથી લેબરને મુશ્કેલ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. બેટલી અને સ્પેનની પેટાચૂંટણી ડર્ટી ટ્રીક્સના આક્ષેપોથી ઉભરાઇ રહી છે અને લેબરની ચૂંટણી ઝુંબેશને બનાવટી પત્રિકાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. બીજી તરફ લેબર પાર્ટીને તેના જ સાંસદ દ્વારા મતો જીતવા માટે “ડોગ-વ્હિસલ રેસીઝમ” નો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
લેબર ફ્રેન્ડ્ઝ ઓફ ઇન્ડિયા દ્વારા આ પત્રિકા બાબતે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરાઇ છે.
આ ફ્લાયરમાં જણાવાયું છે કે ”જે ટોરી સાંસદ તમારી તરફ નથી તેવા કોઈ ટોરી સાંસદનું જોખમ ન લેશો”. આ ઉપરાંત ફ્લાયરમાં “લેબર સિવાય કોઈપણને મત આપવાનું જોખમ સ્પષ્ટ છે” એમ જણાવાયું છે.
લેબર સાંસદ અને ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપના ચેરમેન વિરેન્દ્ર શર્માએ જોન્સન સાથે મોદીની તસવીર સાથેની પત્રિકા અંગે જણાવ્યું હતું કે “સસ્તી, ભાગલા કરો અને રાજ કરોની નીતિ લેબર પક્ષને લાયક નથી અને આ પત્રિકા પાછી ખેંચાવી જોઇએ. કેર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળ પાર્ટીએ ભારતીય સમુદાય સાથેનો વિશ્વાસ ફરીથી બનાવવા માટે સખત મહેનત કરી છે. આ પત્રિકાઓ તે બધા સારા કાર્યો અને સંબંધોને અસર કરશે. લંડનમાં સાદિક ખાને લોકોને એકઠા કરીને અને સમુદાયને એક કરીને જીત મેળવી હતી. આપણે તે ક્યાંય પણ કરી શકીએ છીએ. બીજું કંઇ કરવાથી આપણા સમુદાયમાં ભાગ પડી જશે અને સત્તા ટોરીના હાથમાં આવી જશે.”
મેટ હેનકોકના વિવાદથી મતોને અસર થશે તેમ લાગતા જોન્સને સોમવારે બેઠકની ઉડતી મુલાકાત લઇ જણાવ્યું હતું કે ‘’અમે બેટલી અને સ્પેનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગીએ છીએ. અમે તક જોઇ છે, હવે જ્યારે આપણે રોગચાળાના અંત તરફ જઇ રહ્યા છીએ, આપણે બધા રસી મેળવીએ છીએ, અમને અહીં બેટલી અને સ્પેનમાં અને આખા દેશમાં નોકરીઓ અંગે રીકવરીની તક મળી છે.”
બ્રેન્ટ નોર્થના એમપી અને સવાયા બ્રિટિશ ઇન્ડિયન બેરી ગાર્ડિનરે જણાવ્યું હતું કે ‘’મેં પક્ષના અધ્યક્ષ સમક્ષ આ અંગે વાંધો ઉઠાવી પત્રિકા પાછી ખેંચી લેવાની માંગ કરી છે. બેટલી અને સ્પેનમાં લેબર ઉમેદવાર પર થયેલા દુષ્ટ અને વિભાજનકારી હુમલાઓ વખોડવાલાયક છે. એટલા માટે એ વધુ મહત્વનું છે કે લેબરે ઉચ્ચ નૈતિક ધોરણો જાળવીને સાંપ્રદાયિક રાજકારણમાં શામેલ થવાનો ઇન્કાર કરવો જોઈએ જે એક સમુદાયને બીજા સમુદાય સામે ઉભા કરી સમાજનું વિભાજન કરે છે.’’
તેમણે જણાવ્યું હતું કે ‘’આપણા સમુદાયમાં ઉપ-ખંડના રાજકારણને આયાત કરવાના પ્રયત્નોની મેં હંમેશા નિંદા કરી છે. હું તમામ સાંપ્રદાયિક વિભાજનવાદી રાજનીતિની નિંદા કરું છું, ભલે તે સાદિક ખાન પર કન્ઝર્વેટિવ્સ અને તેમના ઇસ્લામિક વિરોધી હુમલાઓની હોય અથવા તો લેબરની પત્રિકાઓ, આ જેવા હોય. હું માનું છું કે આપણું રાજકારણ અને મતદારો વધુ સારા માટે લાયક છે.’’
ઓક્ટોબરમાં શેડો મિનિસ્ટ્રીમાંથી રાજીનામું આપનારા લેબર સાંસદ નવેન્દુ મિશ્રાએ જણાવ્યું હતું કે “વિભાજનકારી” પત્રિકા સમુદાયોને એકબીજા સામે લાવવા માંગે છે અને પાર્ટીમાં જાતિવાદના વંશવેલાનો પર્દાફાશ કર્યો છે. અમે અમારા વિરોધીઓને નીતિઓના આધારે હરાવ્યા હતા, ડોગ-વ્હિસલ રેસીઝમ દ્વારા નહીં. મને ભારતીય વારસો અને હિન્દુ ધર્મના હોવાના કારણે લેબર પક્ષમાં જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બધા સમુદાયો સાથેના સંબંધો આવે ત્યારે પાર્ટીએ ઘણું સારું કરવાની જરૂર છે. અમે લેબર પાસેથી આની અપેક્ષા રાખતા નથી.”
લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ પત્રિકાની નિંદા કરી જણાવાયું છે કે “દુર્ભાગ્યપૂર્ણ છે કે લેબર પાર્ટીએ ભારતના વડા પ્રધાન, વિશ્વની સૌથી મોટી લોકશાહી અને યુકેના સૌથી નજીકના મિત્રની 2019માં જી-7 બેઠક વખતે લેવાયેવૃલી તસવીરનો ઉપયોગ કર્યો છે. અમે લેબર પાર્ટીને તાત્કાલિક પત્રિકા પાછી ખેંચવા માટે કહીએ છીએ અને આ અંગે લેબરના નેતૃત્વને પણ પત્ર લખીશું. લેબર પક્ષનો ભારત સાથેનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે.”
ટ્રેસી બ્રાબિન વેસ્ટ યોર્કશાયરના મેયર બન્યા પછી ખાલી પડેલી બેટલી અને સ્પેનની બેઠક જીતવા માટે ઉગ્ર યુદ્ધ ચાલી રહ્યું છે. હત્યા કરાયેલા પૂર્વ સાંસદ જો કોક્સની બહેન કિમ લીડબીટર, લેબર પાર્ટીના ઉમેદવાર છે.
લેબર પક્ષ સામે સમુદાયમાં તનાવને ઉત્તેજીત કરીને ગંદી યુક્તિઓ દ્વારા બેટલી અને સ્પેનની પેટાચૂંટણી જીતવા માટે કુપ્રચાર કરાતો હોવાનો આરોપ લાગ્યો છે. લેબર સામે આરોપ લગાવાઇ રહ્યો છે કે તે ગંદી યુક્તિઓ, ધાકધમકી અને સમુદાયના તણાવને વધારવાના પ્રયત્નો કરે છે.
વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટન માટે ઉભા રહેલા પૂર્વ લેબર સાંસદ જ્યોર્જ ગેલોવેને આ બેઠક પર મોટી સંખ્યામાં મુસ્લિમ મતદાતાઓના મત મળે તેમ છે. જેમના અભિયાનથી લેબર પક્ષની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ટોરી સાંસદ રિચાર્ડ હોલ્ડને કહ્યું હતું કે “શું કેર સ્ટાર્મર નરેન્દ્ર મોદીને નહીં મળે? લેબર ફરીથી ઓળખનું રાજકારણ રમી રહ્યું છે.”
લેબરના અભિયાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે: “આ પત્રિકાથી સ્પષ્ટ થાય છે કે કિમ સિવાયના બીજા કોઈને પણ મત આપવાથી તે ટોરીના સાંસદ તરફ દોરી જશે, જેઓ એવા વડા પ્રધાનને સમર્થન આપશે જે મુસ્લિમ મહિલાઓનું અપમાન કરે છે અને તેમને મજાક ગણાવે છે. તેમની પાર્ટીમાં ઇસ્લામોફોબિયા છે, અને કાશ્મીરમાં માનવાધિકારના ભંગ અંગે બોલવામાં નિષ્ફળ જાય છે.’’
બીજી તરફ લેબરે શ્વેત મતદાતાઓને આકર્ષવા માટે બ્લેક લાઇવ્સ મેટર માટે સર કેર સ્ટાર્મરે સમર્થન આપ્યું હોવાની ટીયુસી દ્વારા પ્રકાશિત કરાયેલ નકલી પત્રિકાની નિંદા કરી હતી. વેસ્ટ યોર્કશાયર પોલીસે સોમવારે પુષ્ટિ કરી હતી કે તે પ્રચાર કરી રહેલા લેબર કાર્યકર્તાઓ પર થયેલા હુમલાની તપાસ કરી રહી છે.
એક પત્રિકામાં લેબર નેતા સ્ટાર્મર BLM મુવમેન્ટ માટે ઘૂંટણીયે પડતા અને ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમ પણ તેમ કરતી બતાવાઇ છે. તેમાં લખાયું છે કે લેબર નેતા માને છે કે શ્વેત લોકો તેમના વિશેષાધિકારને સ્વીકારી લે તે જ સમય છે.”
લેબર શેડો મિનિસ્ટર હોલી લિંચે કહ્યું હતું કે ‘’ગેલોવે અને તેમના સમર્થકોએ “એક ઝેરી વાતાવરણ બનાવ્યું છે જે લોકશાહીનો શ્વાસ રૂંધે છે અને સ્થાનિક લોકોના અવાજને ડૂબાડે છે”. જો કે ગેલોવેએ ઝુંબેશમાં કોઈ પણ દુરુપયોગ અથવા હુમલાની પાછળ હોવાનો જોરદાર ઇનકાર કર્યો હતો.
એક વાયરલ વીડિયોમાં, લેબર ઉમેદવાર લીડબીટરનો સામનો એક વ્યક્તિ દ્વારા થયો હતો જેણે તેમને કાશ્મીરની પરિસ્થિતિ અને શાળાઓમાં એલજીબીટી+ શિક્ષણ અંગેના તેના વલણ અંગે પડકાર ફેંક્યો હતો. તેમનો પીછો કરવામાં આવ્યો અને તેને હેકલિંગ કરાઈ હતી.