ચાન્સેલર ઋષિ સુનકે ડ્યુક ઓફ ઓડિનબરા – પ્રિન્સ ફિલિપનો ‘લાઇફ વેલ લીવ્ડ’ તરીકે ચિહ્નિત કરતો યાદગાર £5ના સિક્કાનું અનાવરણ કર્યુ હતું. ડ્યુક ઓફ એડિનબરાની વર્ષોની નેવલ સર્વિસ અને હર મેજેસ્ટી ધ ક્વીનને આપેલા સમર્થનને માન્યતા આપી આ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ સીક્કાની ડિઝાઇનમાં ડ્યુકનું પોટ્રેટ છે અને તેને રોયલ મિન્ટ દ્વારા તૈયાર કરાશે.
આ સિક્કાની ડિઝાઇનને આ વર્ષે એપ્રિલમાં મૃત્યુ પામેલા ડ્યુક દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને સશસ્ત્ર દળ દિવસ 2021ના રોજ બહાર પાડવામાં આવશે. રોયલ મિન્ટ યુકેમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્યુક ઑફ એડિનબરા એવોર્ડને ટેકો આપવા £50,000નું દાન પણ આપશે.
ચાન્સેલર ઋષિ સુનકે કહ્યું હતું કે “આ સિક્કો ડ્યુક ઓફ એડિનબરાને શ્રદ્ધાંજલિ છે, જેમણે દેશ અને હર મેજેસ્ટી ધ ક્વીન બંનેની દાયકાઓ સુધી સેવા કરી વિશ્વભરના ઘણા લોકોને પ્રેરણા આપી હતી. મને સશસ્ત્ર દળ દિવસ પર સિક્કાનું અનાવરણ કરવા બદલ ગર્વ છે.”
આ ડિઝાઇનને વ્યક્તિગત રૂપે 2008 માં ડ્યુક ઑફ એડિનબરા દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને વખાણાયેલા કલાકાર ઇયાન રેંક-બ્રોડલી દ્વારા દોરવામાં આવી હતી. આ સિક્કા પર “એચઆરએચ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઑફ એડિનબરા 1921-2021” લખેલું છે. ડ્યુક 47 વર્ષ સુધી રોયલ મિન્ટની સલાહકાર સમિતિના પ્રમુખ તરીકે રહ્યા હતા.
આ સિક્કો ચલણમાં ચાલશે પરંતુ તે લીમીટેડ એડિશનનો છે અથવા ભેટ તરીકે બનાવવામાં આવ્યો છે.