સમગ્ર લંડનના તમામ બરોમાં વિતેલા એક અઠવાડિયા દરમિયાન સક્રિય પેટ્રોલીંગ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ એક્શનના ભાગરૂપે 507થી વધુ ઇ-સ્કૂટર્સને લંડનના રસ્તાઓ પરથી દૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઇ-સ્કૂટર્સને જાહેર રસ્તાઓ, પેવમેન્ટ્સ, સાયકલ લેન, કાર પાર્કીંગ, પાર્ક સહિત જાહેર જનતાની વરજવર હોય તેવી જમીન પર ચલાવવા ગેરકાયદેસર છે.
રવિવાર, 20 જૂનના રોજ સમાપ્ત થયેલ કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અધિકારીઓએ લોકોને ઇ-સ્કૂટર્સના ઉપયોગ, ટ્રાફિકના કાયદા અને અન્ય બાબતે માર્ગદર્શન આપ્યું હતું. લંડનના રોડ નેટવર્ક પર વીમા વગરના ઇ-સ્કૂટરોના વધેલા વપરાશ તેમજ અમુક ગુનેગારો દ્વારા ફોન સ્નેચીંગ, ડ્રગ ડીલીંગ અને અન્ય ગુનાઓમાં વધારો થયા બાદ આ અઠવાડિયે કાર્યવાહીની શરૂઆત થઈ હતી.
અમલીકરણના આખા અઠવાડિયા દરમિયાન, પોલીસ અધિકારીઓએ ઇ-સ્કૂટર્સને નિશાન બનાવ્યા હતા અને ઇ સ્કૂટર્સ ચાલકોને થોભાવીને તેની પાત્રતાની ચકાસણી કરી હતી અને ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા ઇ-સ્કૂટર્સને કબજે કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ કામગીરી હજૂ ચાલુ રહેશે.
ઓસીયુ કમાન્ડર ફોર રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ પોલિસીંગ, ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ સાયમન ઓવેન્સે જણાવ્યું હતું કે, “લંડનના માર્ગો પર ઇ-સ્કૂટર્સનો ખાનગી ઉપયોગ ગેરકાયદેસર છે. જો લોકો જાહેર રસ્તાના નેટવર્ક્સ પર ઇ-સ્કૂટર્સનો ઉપયોગ ચાલુ રાખશે તો તેમને દંડ કરી તેમના લાઇસન્સ પર પોઇન્ટસ આપવામાં આવશે અને ઇ-સ્કૂટર જપ્ત કરાશે.”
લોકો ઇ-સ્કૂટર્સના અકસ્માતનો રિપોર્ટ અન્ય ટ્રાફિક ગુનાની જેમ https://www.met.police.uk/ro/report/rti/rti-a/report-a-road-traffic-incident/ પર નોંધાવી શકે છે. ગેરકાયદેસર ઇ-સ્કૂટર ચલાવનાર વ્યક્તિ અંગે 101 ઉપર ફોન કરીને અથવા તો @MetCC ઉપર ટ્વીટ કરી શકાશે. ક્રાઇમસ્ટોપર્સને, 0800 555 111 ઉપર ફોન કરીને માહિતી આપી શકાશે.