ભારતમાં કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે દેશમાં કોરોનાના કેસનો આંકડો 30,000 પર પહોંચ્યો હતો, જે છેલ્લાં 125 દિવસના સૌથી ઓછા કેસ છે. દૈનિક મોતની સંખ્યા પણ 111 દિવસના તળિયે પહોંચી હતી. 30 માર્ચ પછી દેશમાં પહેલીવાર કોરોનાના દૈનિક મૃત્યુની સંખ્યા 400ની નીચે રહી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા ડેટા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં 30,093 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 374 લોકોના મૃત્યુ થયા હતા. અગાઉના દિવસે દેશમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા હતા અને 499 દર્દીઓના મોત થયા હતા.
કોરોનાના નવા કેસમાં ઘટાડો થવાની સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 45,254 નોંધાઈ હતી. દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,03,53,710 થઈ હતી, જ્યારે કુલ સંક્રમણનો આંકડો 3,11,74,322 પર પહોંચ્યો હતો. દેશમાં વધુ 374 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,14,482 થયો હતો.
કોરોનાના નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધવાથી એક્ટિવ કેસ ઘટીને 4,06,130 થઈ હતી. દેશમાં નવા કેસમાં ઘટાડો થયો હોવાથી હરવા-ફરવાના સ્થળો અને બજારોમાં ભીડ જોવા મળી રહી છે. આ જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનો ભંગ થઈ રહ્યો છે ત્યારે લોકોને સચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. દેશમાં 16 જાન્યુઆરીના રોજ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગઈકાલ સુધીમાં થયેલા કુલ વેક્સિનેશનનો આંકડો 41,18,46,401 પર પહોંચી ગયો છે.

            












