અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોપલમાં શનિવારની રાત્રે એક પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ ઘરમાં લૂંટ ચલાવી હતી. પરિવારે પ્રતિકાર કરતા ઘાતક હથિયારો વડે તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં લૂંટારું જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના છેવાડે આવેલા બોપલના ઈસ્કોન ગ્રીન બંગ્લોમાં લોંખડના સળીયા અને છરી જેવા ઘાતક હથિયારો સાથે ઘરમા રહેલા પરિવારને બાનમાં લઈ લુંટારુઓએ લુંટને અંજામ આપ્યો હતો. આશરે 1 કલાક ઘરમાં રહ્યા બાદ પરિવાર પર હુમલો કરી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી, રોકડ રકમ અને મોબાઈલ, ટેબ્લેટની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ ચાલુ કરી હતી. ઘરની તપાસ કરતા પોલીસને શંકા છે કે લુંટારુ જાણભેદુ હોઈ શકે છે. કારણ કે ઘરના મુખ્ય દરવાજા પર ડિજિટલ લોક હતું, તેથી આરોપીએ મુખ્ય દરવાજાને નુકશાન પહોચાડ્યા સિવાય લોખંડની ગ્રીલ કાપી પ્રવેશ કર્યો હતો, ઉપરાંત જે રૂમમા સોના-ચાંદીનાં દાગીના અને રોકડ રકમ હતી તે રૂમમાં જ લૂંટ કરવામા આવી છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપીને સંપુર્ણ માહિતી આપવામાં આવી છે. અથવા જાણભેદુ હોઈ શકે છે.