REUTERS/Leonhard Foeger

ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોળાયા બાદ ભારતની સ્ટાર શટરલ પીવી સિંધુએ રવિવારે બ્રોન્ઝ મેડલ જીતીને પણ ભારત માટે ઇતિહાસ રચ્યો હતો. સિંધુ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. સિંધુએ 2016 રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન પાઠવ્યા હતા.

રવિવારે બેડમિન્ટન વિમેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેડલ માટેના મુકાબલામાં સિંધુનો સામનો ચીનની હી બિંગ જિયાઓ સામે હતો. ભારતીય શટરલે શાનદાર પ્રદર્શન કરતા જિયાઓને સીધી ગેમમાં 21-13, 21-15થી પરાજય આપીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

સિંધુએ છેલ્લા પાંચ વર્ષમાં બેડમિન્ટનની તમામ મોટી ટુર્નામેન્ટમાં મેડલ જીતી છે. તેણે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ટૂર ફાઈનલ્સમાં મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે બોક્સર લવલીના બોરોહૈને પણ એક મેડલ સુનિશ્ચિત કરી લીધો છે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં પીવી સિંધુનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જોકે, સેમિફાઈનલમાં સિંધુને તાઈ ઝુ યિંગ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું.