વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવી પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીના કેસોમાં આકસ્મિક ઉછાળો આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ગાયબ થયેલા ચિકનગુનિયાએ ફરી માથુ ઊંચક્યું છે. જાન્યુઆરીથી 9 ઓગસ્ટ સુધીમાં શહેરમાં ચિકનગુનિયાના 162 કેસ નોંધાયા છે.
ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી ચિકનગુનિયાનાા પાંચ કેસ નોંધાયા છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા છે. જાન્યુઆરી પછીથી શહેરમાં ડેન્ગ્યુના કુલ 188 કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ સત્તાવાળાના જણાવ્યા અનુસાર જાન્યુઆરી પછીથી શહેરમાં કોલેરાના 233 કેસ નોંધાયા છે. લાંભા, મણિનગર અને બહેરામપુરમાં કોલેરોના કેસ વધ્યા છે. ગયા વર્ષે અમદાવાદમાં કોલેરાનો એક પણ કેસ નોંધાયો ન હતો.