(Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડ બાદશાહ, બાઝિગર તરીકે લોકપ્રિય શાહરૂખ ખાન અત્યારે પોતાની નવી ફિલ્મ પઠાનના શૂટિંગમાં વ્યસ્ત છે. અન્ય પ્રોજેક્ટ માટે પણ તેની વિવિધ દિગ્દર્શકો સાથે ચર્ચા થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકુમાર હિરાણીની નવી ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળે તેવી સંભાવના છે.

આ ફિલ્મમાં તેની સાથે કાજોલ પણ જોવા મળે તેવી પ્રબળ સંભાવનાઓ છે. આ એક સોશિયલ કોમેડી ફિલ્મ હશે જેમાં આ જોડી ઉપરાંત વિદ્યા બાલન, તાપસી પન્નુ, મનોજ બાજપેયી અને બોમન ઇરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રાજકુમાર હિરાણીની આ ફિલ્મનું શૂટિંગ પંજાબ અને કેનેડામાં થશે તેવું કહેવાય છે. સૂત્રની વાત સાચી માનીએ તો, કાજોલ ફરી એક વખત શાહરૂખની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે તાપસી પત્રકારની ભૂમિકા ભજવશે, જે બંન્ને દેશોની કહાનીને લોકો સામે રજુ કરશે. આ ઉપરાંત વિદ્યા બાલન પણ મહત્વના રોલમાં જોવા મળવાની છે. તે આ ફિલ્મમાં શાહરૂખને મદદ કરતી જોવા મળશે. વિદ્યાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ શેરનીથી રાજકુમાર હિરાણી ખુશ થયા હોવાથી જ તેમણે આ ફિલ્મમાં વિદ્યાને સાઇન કરવાનો નિર્ણય કર્યો છે. શાહરૂખ અને કાજોલ છેલ્લે રોહિત શેટ્ટીની દિલવાલેમાં જોવા મળ્યા હતા.