યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરનું માન્ચેસ્ટર મ્યુઝિયમ તેના પરિવર્તનના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે અને બાંધકામ કાર્ય આગળ વધી શકે તે માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. 1980માં પ્રથમ વખત ખોલવામાં આવેલ માન્ચેસ્ટર મ્યુઝિયમ યુકેનું સૌથી મોટું યુનિવર્સિટી મ્યુઝિયમ છે અને વિશ્વના દરેક ખંડમાંથી લગભગ 4.5 મિલિયન વસ્તુઓનો તેમાં સંગ્રહ કરાયો છે. જેની દર વર્ષે અડધા મિલિયનથી વધુ લોકો તેની મુલાકાત લે છે.
29મી ઓગસ્ટથી સંગ્રહાલયના દરવાજા 2022ના અંત સુધી બંધ રહેશે. £13.5 મિલિયનના ખર્ચે ‘હેલો ફ્યુચર’ નામથી ઓળખાતા પરિવર્તન પ્રોજેક્ટ અંતર્ગત બે માળનું વિસ્તરણ કરી નવી ગેલેરીઓ શામેલ કરાશે. જેમાં વિશાળ પ્રદર્શન હોલ, બેલોંગિંગ ગેલેરી, લી કાઇ ચાઇનીઝ કલ્ચર ગેલેરી અને સાઉથ એશિયા ગેલેરી હશે. સાઉથ એશિયા ગેલેરી માટે બ્રિટીશ મ્યુઝિયમ સાથે ભાગીદારી કરાઇ છે. જે દક્ષિણ એશિયન સમુદાયો દ્વારા કરવામાં આવેલી વાર્તાઓ, અનુભવો અને યોગદાનની શોધખોળ માટે સમર્પિત યુકેમાં પ્રથમ કાયમી પ્રદર્શન જગ્યા બનશે. સંગ્રહાલયમાં નવુ પ્રવેશદ્વાર, દુકાન, કેફે પણ આવશે.
‘હેલો પ્રોજેક્ટ’ ને આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેન્ડ અને ધ નેશનલ લોટરી હેરિટેજ ફંડ, યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર અને વિવિધ સમર્થકો દ્વારા જાહેર ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
સંગ્રહાલયના ડિરેક્ટર એસ્મે વોર્ડે કહ્યું હતું કે, “હેલો ફ્યુચર એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય સંસ્કૃતિઓ વચ્ચે સમજણ અને વધુ ટકાઉ વિશ્વ બનાવવાનો છે. અમે પૉપ-અપ ઇવેન્ટ્સ અને આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરીશું, અને અમારા સંગ્રહો ઑનલાઇન ઉપલબ્ધ છે.”