યુકેમાં કોરોનાવાયરસને ભગાડવામાં મહત્વના સાબિત થયેલ વેક્સીન રોલઆઉટને જોરદાર સફળતા મળી રહી છે અને હવે યુકેમાં પુખ્ત વયના 75 ટકા લોકોને કોવિડ-19 વેક્સીનનાં બંને ડોઝ અપાઇ ચૂક્યા છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના તાજેતરના ડેટા દર્શાવે છે કે રસીના કારણે યુકેભરમાં 60,000 મૃત્યુ અને 66,900 લોકોને હોસ્પિટલમાં દાખલ થતા અને 22 મિલિયન ચેપ લાગતા અટકાવાયા છે. યુકેમાં રસીના કુલ 86,780,455 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 47,091,889 લોકોને પ્રથમ ડોઝ (89%) અને 39,688,566 લોકોને બંને ડોઝ (75%) પ્રાપ્ત થયા છે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) ના ડેટા બતાવે છે કે ભારતમાં હાહાકાર મચાવનાર ડેલ્ટા (B.1.617.2) વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં દાખલ થવા સામે કોવિડ-19 રસીઓ અત્યંત અસરકારક છે. વિશ્લેષણ બતાવે છે કે ફાઇઝર-બાયોએન્ટેક રસી 96 ટકા જેટલી અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી બે ડોઝ પછી હોસ્પિટલમાં દાખલ થવા સામે 92 ટકા અસરકારક છે.

વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું હતું કે “યુકેના તમામ પુખ્ત વયના 75 ટકા લોકોને અમે રસી આપી મહત્વપૂર્ણ રક્ષણ પૂરું પાડ્યું છે. આ એક વિશાળ રાષ્ટ્રીય સિદ્ધિ છે, જેના પર આપણે બધાએ ગર્વ અનુભવવો જોઈએ.”

હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે “કોવિડ-19 રસીના બે ડોઝ મેળવવા તે નવી સ્વતંત્રતાઓનો સુરક્ષિત રીતે આનંદ માણવાની ચાવી છે. રસીઓ એવા લોકોનું રક્ષણ કરે છે જેને આપણે પ્રેમ કરીએ છીએ.’’

મેડિકલ ડાયરેક્ટર ફોર પ્રાઇમરી કેર અને NHS કોવિડ-19 પ્રોગ્રામ માટેના ડેપ્યુટી ડૉ. નિકિતા કાનાણીએ  કહ્યું હતું કે “એનએચએસ સ્ટાફે જીવન બચાવનાર કોવિડ રસી આપવા માટે ઇતિહાસમાં સૌથી મોટો અને સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ પાર પાડી અપવાદરૂપ મહેનત કરી તમામ પુખ્ત વયના લોકોના 75 ટકા લોકોને રસી આપી છે. ઇંગ્લેન્ડમાં 50 વધુ વયના લોકોની ટકાવારી તો 95 ટકા જેટલી છે.’’

સરકાર દેશભરમાં ‘ગ્રેબ એ જબ’ પોપ-અપ રસી સાઇટ્સ ઉભી કરવા અને રસી મેળવવાનું શક્ય એટલું સરળ બનાવવા માટે એનએચએસ સાથે નજીકથી કામ કરી રહી છે. લોકો નેશનલ બુકિંગ સિસ્ટમ મારફતે ઓનલાઈન અથવા 119 પર ફોન કરીને એપોઈન્ટમેન્ટ લઈ રસીકરણ કેન્દ્ર, વોક-ઈન સેન્ટર અથવા પોપ-અપ રસીકરણ કેન્દ્રોનો ઉપયોગ કરી શકે છે જે હવે શોપિંગ સેન્ટર્સ, કાર્યસ્થળો અને હાઇ સ્ટ્રીટમાં છે.

યુકેમાં તમામ પુખ્ત વયના લોકો આઠ અઠવાડિયા પછી બીજા ડોઝ મેળવવા સક્ષમ છે. આનો અર્થ એ થશે કે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં દરેક પુખ્ત વ્યક્તિને બે ડોઝ મળી જશે. લોકોને સાબિત કરવું પડશે કે તેમની પાસે નાઇટક્લબ અને અન્ય સ્થળોમાં પ્રવેશવા માટે બે રસી લીધેલી છે.