ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી અનામતનો મુદ્દોનો ઊભો થયો છે. કેન્દ્ર સરકારે ઓબીસીમાં કોનો સમાવેશ કરવો તેની સત્તા રાજ્યને આપી છે, ત્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન અને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ રામદાસ આઠવલેએ શનિવારે અમદાવાદ ખાતે મીડિયાને જણાવ્યું હતું કે, પાટીદારો, મરાઠા અને જાટ સમાજના લોકોનો ઓબીસીમાં સમાવેશ કરવાના બદલે તેમના માટે સરકારે અલગ વ્યવસ્થા કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, દેશમાં જે રીતે વસ્તી વધારો થઈ રહ્યો છે તેની સામે વિકાસની સુનિશ્ચિતતા માટે તેમનો પક્ષ એક બાળકની નીતિને સમર્થન કરે છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હિંદુઓની સંખ્યા ઘટશે તો બંધારણ સંકટમાં આવશે તેવા નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, હિંદુઓની સંખ્યા ઘટતી જાય તેવી કોઈ શક્યતા નથી. હિંદુ અને મુસ્લિમોની વસ્તીમાં કોઈ મોટો ફરક ન પડ્યો હોવાનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે, વિકાસ માટે વસ્તી નિયંત્રણની જરૂર છે અને હવે ‘હમ દો હમારે દો’ના સૂત્રની જરૂર છે.
આઠવલેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને કઈ જ્ઞાતિને ઓબીસીમાં સમાવવી તે અંગે અધિકાર આપવામાં આવેલો છે. કેન્દ્રના કે કોઈ પક્ષના નેતા આ અંગે કોઈ નિવેદન કરે તે યોગ્ય નથી. ઓબીસીમાં કઈ શરતોના આધારે કઈ જ્ઞાતિને સામેલ કરવી તે રાજ્યનો અધિકાર છે.